VADODARA : શહેરના 11 મસમોટા ભૂવાના પુરાણમાં રૂ. 1.22 કરોડ સમાયા
VADODARA : પહેલા વડોદરા (VADODARA) માં માત્ર ચોમાસાની રૂતુમાં જ ભૂવા પડતા હતા. હવે ભૂવા કોઇ પણ સિઝનમાં પડી રહ્યા છે. ત્યારે મોટા ભૂવાની કામગીરી સત્વરે કરવી પડતી હોય છે. તાજેતરમાં 11 સ્થળોએ પડેલા ભૂવાના પૂરાણ પાછળનો રૂ. 1.22 કરોડનો ખર્ચ મોડે મોડે સ્થાયી સમિતીમાં (VADODARA - VMC) રજુ કરવામાં આવ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો. પાલિકાના કોન્ટ્રાક્ટરની જ નબળી કામગીરીના કારણે પડતા ભૂવાના રીપેરીંગ ખર્ચનું ભારણ પણ હવે પ્રજાના માથે નાંખવાનો તખ્તો ઘડાઇ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સામ્રાજ્ય બહાર પડેલા ભૂવાના રીપેરીંગમાં જ કુલ ખર્ચની 50 ટકા રકમ ખર્ચાઇ જવા પામી હતી.
દરખાસ્ત મોડે મોડે સ્થાયી સમિતીમાં રજુ કરવામાં આવી
વડોદરામાં એક પગ સમાય તેટલા નાના ભૂવાથી લઇને મોટા મોટા ડમ્પરો સમાઇ જાય તેટલા મોટા ભૂવાઓ વર્ષ દરમિયાન પડ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આ ભૂવાઓ પાલિકાની આબરૂનું ધોવાણ કરતા હોવાથી તેનું ત્વરિત રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્ય પૂર્ણ થયા બાદ કલમ 63 - 3 - સી અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરને આપેલી સત્તા પ્રમાણે 11 ભૂવા પુરાણની કામગીરીની રૂ. 1.22 કરોડની દરખાસ્ત મોડે મોડે સ્થાયી સમિતીમાં રજુ કરવામાં આવી હતી. જેને પગલે વિવાદ સર્જાયો છે.
અકોટા ફોર્ચ્યુન હોટલ અને સામ્રાજ્ય બહાર બે વખત ભૂવા પડ્યા
જે અંગે વિગતવાર માહિતી પ્રમાણે, અકોટાથી અટલાદરા સુએજ પ્લાન્ટમાં જતી મુખ્ય ડ્રેનેજ લાઇન પર એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પાસેના સમારકામ પાછળ રૂ. 16.49 લાખ, મુજમહુડા સામ્રાજ્ય એસબીઆઇ બેંક સામે ભંગાણ પાછળ રૂ. 24.12 લાખ, સામ્રાજ્ય ગેટ - 2 પાસે ના ભંગાણ પાછળ રૂ. 27.65 લાખ, અકોટા ફોર્ચ્યુન હોટલ પાસેના ભૂવા પાછળ રૂ. 7.33 લાખ, અકોટા ફોર્ચ્યુન હોટલ પાસેના ભૂવા (2) પાછળ રૂ. 15.81 લાખ, અકોટા ચાર રસ્તા પાસેના ભૂવા પાછળ રૂ. 2.85 લાખ, શ્રેણીક પાર્ક, સુવેજ લાઇનમાં ભંગાણના સમારકામ પાછળ રૂ. 3 લાખ, જેપી રોડથી અકોટા રોડ પર ભંગાણ પાછળ રૂ. 5.39 લાખ, રેસકોર્ષ મેઘધનુષ્ય કોમ્પલેક્ષ પાસેના ભૂવા પાછળ રૂ. 7.76 લાખ અને ગાય સર્કલ જતા રામપુરા પાસે ભંગાણ પાછળ રૂ. 7 લાખનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જે પૈકી 50 ટકા જેટલી રકમ માત્ર સામ્રાજ્ય પાસેના ભૂવાના પુરાણમાં જ ગઇ છે.
આ પણ વાંચો -- VADODARA : નશામાં ચૂર બનીને ભાન ભૂલેલો નાયબ મામલતદાર ફરજ મોકૂફ કરાયો


