VADODARA : હાઇ-વે સમાંતર વરસાદી ચેનલનું ખાતમૂહુર્ત, પાણી પ્રવેશતુ અટકશે
VADODARA : વડોદરાના પૂર્વ સહિતના વિસ્તારોમાં હાઇવેથી પ્રવેશતું વરસાદી પાણી પૂરની ભારે મુશ્કેલી સર્જી રહ્યું છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઇવેને સમાંતર 12 મીટરના ટીપી રસ્તે નવી વરસાદી ચેનલ બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે. આ ચેનલ થકી વરસાદી પાણીને શહેરમાં પ્રવેશતા અટકાવી શકાશે, તેવો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો છે. (VMC LAYING FOUNDATION HIGHWAY PARALLEL RAINWATER DRAINAGE LINE - VADODARA)
આજે મહત્વનું પગલું ભરવામાં આવ્યું
વડોદરા પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પૂર નિવારણ માટે વિવિધ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજવા અને પ્રતાપપુરા સરોવર સહિત અનેક તળાવોને ઉંડા કરવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ સાથે જ હાઇવેની પેલે પારનું પાણી શહેરમાં પ્રવેશતા અનેક વિસ્તારો જળબંબાકાર થઇ જતા હતા. આ સિલસિલો અટકાવવાની દિશામાં આજે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આજે વડોદરા પાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સ્થાનિક કોર્પોરેટરની હાજરીમાં આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઇવેને સમાંતર 12 મીટરના ટીપી રસ્તે નવી વરસાદી ચેનલ બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
કામગીરી ચોમાસા સિવાયના 1 વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે
કામગીરી અંગે વિગતવાર માહિતી આપતા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ ઇજારો નેટ અંદાજીત રકમ રૂ. 17.37 કરોડની જગ્યાએ 22 ટકા ઓછા ભાવે રૂ. 13.51 કરોડના ખર્ચે આપવામાં આવ્યો છે. જે અંતર્ગત આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી નેશનલ હાઇવેને સમાંતર 12 મીટરના ટીપી રસ્તે નવી વરસાદી ચેનલ 1650 મીટર લંબાઇ અને 3 * 3 મીટરનું સિંગલ બેરલમાં કામ થશે. આ કામ સ્વર્ણિમ વર્ષ 2024 - 2025 ની ગ્રાન્ટમાંથી કરવાનું આયોજન છે. આ કામગીરી ચોમાસા સિવાયના 1 વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે.
પાણી વિશ્વામિત્રી નદીમાં લઇ જવાશે
આ કાર્યથી થતા ફાયદા અંગે ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ચોમાસા દરમિયાન હાઇવેનું પાણી સિટી વિસ્તારમાં પ્રવેશતું અટકાવી શકાશે. સાથે જ બિનઆરોગ્યપ્રદ સ્થિતીનું નિર્માણ થતા અટકશે. વરસાદી પાણીને આજવા જંક્શનથી પાંજરાપોળ થિને દેના ચોકડી પાસે આવેલા હયાત ચેનલ મારફતે વિશ્વમિત્રી નદીમાં લઇ જવાશે.
આ પણ વાંચો --- VADODARA : ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ


