VADODARA : પાલિકા કચેરીમાં આગનું છમકલું, મોડે મોડે ફાયર વિભાગને જાણ કરાઇ
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) ની વડી કચેરીએ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીના કેબીનની બાજુમાં આવેલા કોન્ફરન્સ હોલના બહાર ભાગે વાયરીંગમાં આગનું છમકલું થયું હતું. આગ અંગે જાણ થતા જ સિક્યોરીટીમાં હાજર જવાનોએ ફાયર એક્સ્ટીંગ્યુશરની મદદથી આગ ઓલવી કાઢી હતી. અને મામલો થાળે પાડ્યો હતો. પાલિકાની કચેરીએ સવારે બનેલી ઘટનાની જાણ બપોરે ફાયર કંટ્રોલ રૂમમાં કરાતા જવાનો તુરંત દોડી આવ્યા હતા. જો કે, તે સમયે સ્થિતી સંપૂર્ણપણે કાબુમાં આવી ગઇ હતી.
ફાયર એક્સ્ટીંગ્યુશર ખોલીને પાવડરનો મારો આગ પર ચલાવ્યો
વડોદરા પાલિકાની ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીમાં આજે આગનું છમકલું થયું હતું. ઘટના અંગે નજીકમાં જ ફરજ બજાવતા રામલાલા ગીરી નામના સિક્યોરીટી જવાનને અંદાજો આવી જતા તેઓએ તુરંત ફાયર એક્સ્ટીંગ્યુશર ખોલીને તેમાં રહેલા પાવડરનો મારો આગ પર ચલાવ્યો હતો. જેના કારણે આગને વધતા અટકાવી તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટના બાદ તમામ પોતપોતાના કામમમાં પરત ફર્યા હતા. સિક્યોરીટી જવાન રામલાલ ગીરીએ મીડિયાને જણાવ્યું કે, ઘટના સ્થળની બાજુમાં મારી ડ્યુંટી હતી. વાયરમાં આગ લાગી હતી. જેવી મને જાણ થઇ કે તુરંત અમે ફાયર એક્સ્ટીંગ્યુશર થકી આગ ઓલવી કાઢી હતી. કોઇ હાની નુકશાન થયું નથી.
આગ અંગેનો કોલ ફાયર કંટ્રોલરૂમમાં મળતા તુરંત સ્ટાફ દોડી આવ્યો
આ ઘટના સવારે 11 વાગ્યાના આરસામાં ઘટી હોવાનો અંદાજ છે. જેમાં ગણતરીની મીનીટોમાં જ કાબુ મેળવી લેવાયો હતો. તો બીજી તરફ બપોરે 1 વાગ્યે પાલિકાની વડી કચેરીમાં આગ અંગેનો કોલ ફાયર કંટ્રોલરૂમમાં મળતા તુરંત સ્ટાફ દોડી આવ્યો હતો. જો કે, સ્થળ પર આવીને જોતા આગ જેવું કંઇ હતું જ નહીં. મોડે મોડે ફાયર બ્રિગેડને જાણ કરવા પાછળનો શું ઉદ્દેશ્ય હોઇ શકે, આ સવાલ પાલિકાની લોબીમાં ચર્ચાઇ રહ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : નવા વર્ષમાં પણ શહેરીજનોને કતારોમાંથી મુક્તિ નહીં