VADODARA : પાણી માટે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના નંબર પકડાવી હાથ અદ્ધર કર્યા
VADODARA : વડોદરાના વહીવટી વોર્ડ નં - 5 માં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિના લાફાકાંડ બાદ નાગરિકો ભોગવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. વિવાદ બાદ પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પાણી વિતરણ માટે ટેન્કર મામલે હાથ ઉંચા કરી દીધા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ મામલે અધિકારીઓ દ્વારા કોર્પોરેટરોને કોન્ટ્રાક્ટરના નંબર પકડાવવામાં આવ્યા છે. જેને પગલે કોર્પોરેટરોમાં નારાજગી જોવા મળી રહી છે. ભર ઉનાળે એક કોર્પોરેટર પતિની કરતુતના કારણે શહેરભરના નાગરિકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે ખોટું હોવાનો મત નાગરિકો અને ચૂંટાયેલા નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. (VMC FAIL TO PROVIDE WATER, OFFICERS GIVE NUMBER OF CONTRACTOR - VADODARA)
પ્રતિદિન આશરે 500 જેટલા ટ્રેક્ટરો દોડાવવા પડે તેવી સ્થિતી
ઉનાળાની શરૂઆત થતા જ શહેરના પૂર્વ વિસ્તાર સહિત અનેક જગ્યાઓ પર પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. પાણીના પર્યાપ્ત સ્ત્રોત હોવા છતાં પાલિકાનું તંત્ર લોકો સુધી પાણી પહોંચાડવામાં વધુ એક ઉનાળે નિષ્ફળ રહ્યું છે. લોકોને પુરતુ પાણી પહોંચાડવા માટે પ્રતિદિન આશરે 500 જેટલા ટ્રેક્ટરો દોડાવવા પડે તેવી સ્થિતી છે. ત્યારે તાજેતરમાં વોર્ડ નં - 5 ના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા પાણી પુરવઠા વિભાગને એન્જિનિયરને લાફો મારી દેવામાં આવ્યો હતો. જે બાદ પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર્સ હડતાલ પર ઉતર્યા છે. આ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા તો યથાવત છે.
કોર્પોરેટરોના ફોન અધિકારીઓ ઉંચકતા નથી
તેવામાં પાણીના ટેન્કર મામલે રજુઆત કરવા માટે કોર્પોરેટરોના ફોન અધિકારીઓ ઉંચકતા નથી. અધિકારીઓ દ્વારા સીધા જ કોન્ટ્રાક્ટરનો નંબર મેસેજ કરીને આપી દેવામાં આવે છે. અને તેમની પાસેથી જ જાણ કરવા કહેવામાં આવી રહ્યું છે. જેને પગલે કોર્પોરેટરોમાં રોષી લાગણી વ્યાપી જવા પામી છે. એક તરફ પાણી વિતરણ માટેની વ્યવસ્થા ખોરવાઇ જવા તરફ જઇ રહી છે, અને એક કોર્પોરેટરના પતિની કરતુતને પગલે હવે અન્યને પણ ભોગવવાનો વારો આવી રહ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : બિહાર ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા મેળવીને વિકાસના માર્ગે અગ્રેસર બન્યું છે - મુખ્યમંત્રી