VADODARA : પાલિકાના કર્મચારીને લાગ્યો કોમ્પ્યુટર ગેમનો ચસ્કો
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ના કર્મચારીઓ લોકોની સુખાકારી માટે કામ કરતા હોય છે. સામાન્ય લોકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે તે માટેનું કામ જોવું તેમની ફરજ છે. ત્યારે આજરોજ પાલિકાની આરોગ્ય શાખાની કચેરીમાં એક કર્મચારી કોમ્પ્યુટરમાં પાના-પત્તાની ગેમ રમવામાં મશગુલ હોય તેવી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (VMC EMPLOYEE PLAYING GAME ON COMPUTER IN DUTY HOURS - VADODARA) થવા પામી છે. પ્રજાની મહેનતના પૈસે ટેક્સ ચૂકવાયા બાદ તેમાંથી પગાર ખાતા કર્મચારીની આ હરકત જોઇને લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.
વીડિયો પાલિકાના આરોગ્ય શાખાના હોવાનું અનુમાન
વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો કેટલું સ્માર્ટ કામ કરે છે, તે સૌ કોઇ વડોદરાવાસી જાણે જ છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં પાલિકાની કચેરીની કેટલીક તસ્વીરો અને વીડિયો ભારે વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો પાલિકાના આરોગ્ય શાખાના હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં પાલિકાનો કર્મચારી ઓફિસમાં કામ પર ધ્યાન આપવાની જગ્યાએ સરકારી કોમ્પ્યુટરમાં પાના-પત્તાની ગેમ રમી રહ્યો છે.
તે સમયે પણ તેનું ધ્યાન આજુબાજુમાં કોઇ જોતું હોય તેના પર જતું નથી
કામના કલાકોના સમય સિવાય એક પણ મીનીટ કર્મચારી-અધિકારી બેસવાનું પસંદ ના કરે, તેવા વાતાવરણ વચ્ચે પાલિકાનો કર્મચારી કચેરીમાં ફુરસતથી કોમ્યુટર ગેમમાં મસ્ત બન્યો છે. આ ઘટનાનો વીડિયો જે સમયે લેવામાં આવે છે, તે સમયે પણ તેનું ધ્યાન આજુબાજુમાં કોઇ જોતું હોય તેના પર જતું નથી. જેના પરથી ગેમનો ચસ્કો કેવો લાગ્યો છે, તેનો અંદાજો લગાડી શકાય છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે આવા લાપરવાહ કર્મચારી સામે કડક પગલાં લેવાની લોકમાંગ ઉઠવા પામી છે. જો તેમ કરવામાં નહીં આવે તો પાલિકાની કચેરી આવનાર સમયમાં ગેમઝોન બનવા તરફ આગળ વધે તો નવાઇ નહીં.
આ પણ વાંચો --- VADODARA : પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા સ્થાનિકોનો સયાજીપુરા ટાંકીએ હલ્લાબોલ