VADODARA : ચોથા દિવસે દબાણ હટાવવાનું જારી, ટોળા એકત્ર થતા પોલીસ ખડકી દેવાઇ
VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી હત્યા બાદ પાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. જેમાં આજે સતત ચોથા દિવસે પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને નવાપુરા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન એક તબક્કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા પોલીસે બંદોબસ્ત વધારી દીધો હતો. હાલ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વડોદરાના નવાપુરા વિસ્તારમાં દબાણ હટાવવાનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
લારી જમા કરતા સમયે લોકો અને પાલિકાની ટીમ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો
વડોદરામાં વિતેલા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો હટાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. જે આજે ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે. આજે વડોદરાના નવાપુરા વિસ્તારમાં સવારથી જ ગેરકાયદેસર દબાણો પર પાલિકાની ટીમ, પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. દરમિયાન ટીમો નવાપુરાના અંતરિયાળ વિસ્તાર મહેબુબપુરામાં પહોંચતા લોકો એકત્ર થયા હતા. અને રસ્તા પરની લારી જમા કરતા સમયે લોકો અને પાલિકાની ટીમ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે ઘર્ષણની સ્થિતી સર્જાઇ હતી. જો કે, આ તકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા જોઇન્ટ સીપી મનોજ નિનામા, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી, તથા અન્ય ઝોનના ડીસીપી દોડી આવ્યા હતા. અને લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
આ તકે જોઇન્ટ સીપી મનોજ નિનામાએ મીડિયાને જણાવ્યું કે, પાલિકા અને પોલીસના સંયુક્ત સાહસથી દબાણ હટાવો ઝૂંબેશ ચાલી રહી છે. પાલિકા મુજબ, મોગલવાડામાં દબાણ હટાવવાનું કામ ચાલુ હતું. તે સમયે લારી ઉઠાવવા બાબતે ટોળા એકઠા થઇ ગયા હતા. તે મેસેજ મળતા, અમે આવ્યા હતા. કોઇ બનાવ ના બને તે માટે તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તે લોકો પાલિકાના કર્મચારી જોડે માથાકુટ કરતા હતા. પોલીસ આવી જવાથી લારી હટાવી લેવામાં આવી છે. મારામારીના વીડિયો અંતે તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી