VADODARA : પાણીગેટમાં દબાણશાખાની ટીમ દ્વારા સફાયો જારી
VADODARA : વડોદરા (VADODARA) શહેરના પાણીગેટ વિસ્તારમાં આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. ટીમે આજે બપોરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગની બાજુમાં આવેલા કાચા-પાકા દબાણો દુર કર્યા છે. આ સમયે કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો કાફલો તેમની સાથે ચાલી રહ્યો છે. રસ્તામાં જ્યાં દેખાય ત્યાંથી દબાણો દુર કરીને સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે.
પાણીગેટ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મોટી કાર્યવાહી
વિતેલા મહિનામાં પાલિકા દ્વારા પુરજોશમાં દબાણો દુર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, જુના વર્ષના અંતિમ દિવસો અને નવા વર્ષના શરૂઆતના દિવસોમાં દબાણ હટાવવાની કામગીરીને વિરામ આપવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત પાલિકાની ટીમો દબાણ દુર કરવાને લઇને મેદાને આવી હોય તેમ લાગી રહ્યું છે. આજે બપોરે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત
ટીમો દ્વારા પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે રોડ સાઇડના કાચા-પાકા દબાણો, લારી-દલ્લાઓ જપ્ત કરવામાં આવી રહ્યા છે. અને તેને ટેમ્પામાં ભરીને લઇ જવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત પાલિકાની ટીમ સાથે આપવામાં આવ્યો છે. આ દબાણો દુર કરતા સમયે 4 થી વધુ મોટા ટ્રક પાલિકાની સાથે સાથે ચાલી રહ્યા છે. દબાણ શાખાની ટીમ, તથા પોલીસ જવાનો ફૂટ પેટ્રોલીંગ કરીને સ્થળ પરના દબાણો દુર કરાવી રહ્યા છે.
પરંતુ તેની અસર અઠવાડિયા સુધી પણ રહી ન્હતી
સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલો સામાન થોડાક દિવસો સુધી મુકી રાખવામાં આવશે. ત્યાર બાદ તેનો દંડ ભરપાઇ કરાવડાવીને તેના મૂળ માલિકને પરત આપવામાં આવશે. જો કે, પાલિકા દ્વારા અગાઉ પણ દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ તેની અસર અઠવાડિયા સુધી પણ રહી ન્હતી. અને ફરી દબાણોએ તેમની જગ્યાએ સ્થાન લીધું હતું. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયા અટકાવવું જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તિ રહી છે.
આ પણ વાંચો --- VADODARA : આજે 14 પરિવારો વિખેરાયા હતા, હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ


