VADODARA : મુંજમહુડામાં રોડનો ભાગ બેસી ગયો, બેદરકાર અધિકારીનો વરઘોડો કાઢવા માંગ
VADODARA : વડોદરા (VADODARA) ના મુંજમહુડા વિસ્તારમાં બે મહિના પહેલા સમારકામ કરવામાં આવેલો રોડનો ભાગ ફરી બેસી જતા લોકો રોષે ભરાયા છે. સ્થાનિકનું કહેવું છે કે, પાલિકા તંત્ર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. સાથે જ અધિકારી-કોન્ટ્રાક્ટરોના વરઘોડા કાઢવા માટેની માંગ પણ મીડિયા સમક્ષ રજુ કરી છે.
પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પોલ મારવામાં આવી
વડોદરાના અકોટાથી મુજમહુડા તરફ જતા રસ્તા પર બે મહિના પહેલા શહેરનો સૌથી મોટા ભૂવો પડ્યો હતો. જેનું સમારકામ લાંબુ ચાલ્યું હતું, આ સમારકામ કરવામાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પોલ મારવામાં આવી હોવાનું હવે સપાટી પર આવ્યું છે. તાજેતરમાં ફરી એક વખત આ રૂટ પરનો રોડ બેસી ગયો છે. જેના કારણે સ્થધનિકો રોષે ભરાયા છે. અને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર પર આકરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
બે મહિના અગાઉ અહિંયા કામગીરી કરવામાં આવી હતી
સ્થાનિક રહીશે જણાવ્યું કે, વડોદરાનો વોર્ડ નં - 2 ભુવા નગર તરીકે ઓળખાઇ ગયો છે. અહિંયા અવાર નવાર ભૂવા પડતા હોય છે. આજે અકોટાથી મુંજમહુડા તરફ જતો રસ્તો બેસી ગયો છે. બે મહિના અગાઉ આપણે ત્યાં અહિંયા કામગીરી કરવામાં આવી હતી. તે સમયે અહિંયા મહાકાય ભૂવો પડ્યો હતો. તેના પૂરાણની કામગીરી હલકી કક્ષાની કરાતા ફરી એક વખત રોડ બેસી જઇને ભૂવો પડ્યો છે. આ લાઇનમાં આગળ પણ ભૂવો પડ્યો છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે. તે આપણે જોઇ શકીએ છીએ.
કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ્દ કરવામાં આવે
વધુમાં જણાવ્યું કે, આમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસ ગુનેગારોનો વરઘોડો કાઢે છે, અમારી માંગણી છે કે, એવા અધિકારીઓ છે, તેના કારણે લોકોએ ભોગવવું પડે છે. તેવા અધિકીરીઓ પર કાર્યવાહી થાય, કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ્દ કરવામાં આવે. અને તેમના પણ વરઘોડા નિકળે તેવી અમારી માંગણી છે.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગના ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે