VADODARA : પાલિકાએ સીલ કરેલી મેડીકલ શોપમાંથી મુદ્દામાલ સગેવગે કરાતા ચકચાર
VADODARA : વડોદરા (VADODARA) ના વારસિયા રિંગ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં આવેલી મેડીકલ શોપને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. ગતરાત્રે અંધારાનો લાભ લઇને સંચાલક દ્વારા સીલ તોડીને દુકાનમાંથી મુદ્દામાલ સગેવગે કરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવતા યુથ કોંગ્રેસના અગ્રણી દોડી ગયા હતા. અને સમગ્ર ઘટનાક્રમનો વિરોધ નોંધાવ્યો હતો. સંચાલકો દ્વારા પાલિકાનું સીલ જાતે જ ખોલીને દુકાનમાંથી મુદ્દામાલ કાઢવા બદલ કાર્યવાહી થવી જોઇએ.
સંચાલકો દ્વારા મનમાની કરીને દુકાનું સીલ ખોલી કાઢવામાં આવ્યું
વડોદરામાં વોર્ડ નં - 4 માં આવેલી પાલિકાની કચેરી પાસેના કોમ્પલેક્ષમાં આવેલી મેડીકલ શોપને તાજેતરમાં સીલ કરવામાં આવી હતી. આ દુકાન જે તે સમયે ચાલુ હોવાથી તેમાં માલ-સામાન ભરી રાખવામાં આવ્યો હતો. હાલમાં શિયાળાની મોસમ શરૂ થઇ ગઇ છે. એટલે ઠંડી અને રાત્રીનો ફાયદો ઉઠાવીને મેડીકલ શોપના સંચાલકો દ્વારા મનમાની કરીને દુકાનું સીલ ખોલી કાઢવામાં આવ્યું હતું. અને તેમાં રાખેલા મુદ્દામાલને સગેવગે કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.
દાખલો બેસાડતી કાર્યવાહી કરવા માટેની લોકમાંગ
આ ઘટના અંગે જાણ થતા જ તુરંત યુથ કોંગ્રેસના અગ્રણી સ્થળ પર દોડી ગયા હતા. અને સમગ્ર મામલો મીડિયામાં ઉજાગર કર્યો હતો. અને મેડીકલ શોપના સંચાલકો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હવે પાલિકાનું સીલ ખોલીને મનમાની ચલાવતા સંચાલકો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેવો દાખલો બેસાડતી કાર્યવાહી કરવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : મકરપુરા GIDC ના ઉદ્યોગકારો લડી લેવાના મુડમાં, અસુવિધાથી ત્રસ્ત