VADODARA : 8 વર્ષમાં રૂ.1,660 કરોડ ખર્ચ્યા, છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન નહીં
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા વિતેલા 8 વર્ષમાં સ્વચ્છતા પાછળ રૂ. 1,660 કરોડનો ધૂમાડો કરવામાં આવ્યો છે. છતાંય કેન્દ્રિય સ્વચ્છતા સર્વેક્ષણ (SWACHH SURVEKSHAN) માં ટોચનું સ્થાન મેળવી શકાયું નથી. જો કે, ટોચનું સ્થાન ના મળવા પાછળના કારણો પૈકી એક લોકોનો ઓછો સહયોગ પણ માનવામાં આવે છે. શહેરને સ્વચ્છ રાખવું માત્ર પાલિકાની જ જવાબદારી નથી. લોકોએ પણ પાલિકાના પ્રયત્નોમાં પોતાનો સહયોગ આપવો જરૂરી છે. ત્યારે જ સારા પરિણામો મળશે તેવી તંત્રને આશા છે. આ વચ્ચે તંત્ર દ્વારા જાન્યુઆરી - 2025 માં યોજાનાર સ્વસ્છતા સર્વેક્ષણના રેંકીંગમાં સારૂ પ્રદર્શન મળે તે માટેની કવાયત હાથ ધરી છે. વર્ષ 2023 માં વડોદરા પાલિકાનો 33 મો ક્રમાંક હતો.
ઓપન સ્પોટ પર કચરો કરનારને સીસીટીવીના આધારે શોધવા પડી રહ્યા છે
વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા પાછળ મનખોલીને રૂ. 1,660 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં ટોચનું સ્થાન મેળવવામાં સફળતા મળી નથી. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન, સફાઇની કામગીરી તથા સફાઇની મશીનરી માટે જરૂરી ખર્ચ કરવામાં આવ્યો છે. વડોદરામાં માનવસર્જિત પૂર બાદ તો સઘન સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ વચ્ચે ક્યાંય સ્વચ્છતા જાળવવા માટે તંત્રને લોકોનો સહયોગ ઓછો મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એટલે જ ઓપન સ્પોટને કચરાપેટી અને શૌચાલય બનાવનારાઓને સીસીટીવીના આધારે શોધવા પડી રહ્યા છે.
વર્ષ 2023 માં સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 33 મો ક્રમાંક હતો
વિતેલા 8 વર્ષોમાં માત્ર બે જ વખત વડોદરા સ્વસ્થતા ક્રમાંકમાં ટોપ - 10 માં આવ્યું છે. વર્ષ 2021 માં 8 મો ક્રમાંક અને વર્ષ 2020 માં 10 મો ક્રમાંક મેળવ્યો હતો. બાકીના વર્ષોમાં 13 થી લઇને 79 ક્રમાંક પર વડોદરા આવ્યું છે. વર્ષ 2023 માં સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 33 મો ક્રમાંક હતો. જે રીતે વડોદરા પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે, તે જોતા રેંકીંગ મેળવવામાં સફળતા મળી નથી.
વોટર પ્લસ સર્ટીફીકેશન, ગાર્બેસ ફ્રી સીટી માટેના સર્ટીફીકેશન મેળવ્યા
પાલિકા સુત્રના જણાવ્યા અનુસાર, સ્વચ્છતા ક્રમાંકમાં ટોચનું સ્થાન મેળવવા માટે વિતેલા 8 વર્ષમાં 75 અર્બન ફોરેસ્ટ, 125 ઇ ટોયલેટ સાથે જ 19 વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા, થ્રી લેયર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ, વોટર પ્લસ સર્ટીફીકેશન, ગાર્બેસ ફ્રી સીટી માટેના સર્ટીફીકેશન મેળવ્યા, તથા કમાટી બાગમાં રોપા રોપવાનું કાર્ય પણ કર્યું છે. આ સાથે જ બાયોરેમેડીયેશનથી વેસ્ટનો નિકાક કરીને લેન્ડફીલ સાઇટની જમીનને વપરાશયુક્ત બનાવી છે. પાલિકા ગમે તેટલા પ્રયત્નો કરી લે, જ્યાં સુધી સ્વચ્છતા રેંકીંગમાં ટોચનું સ્થાન નહીં મળે ત્યાં સુધી તમામ પ્રયાસોને યોગ્ય લોકસરાહના નહીં મળે તે નક્કી છે.
આ પણ વાંચો -- VADODARA : બિચ્છુ ગેંગના સાગરીતોનો વરઘોડો નીકળ્યો, પોલીસે કહ્યું, "ડરવાની જરૂર નથી"


