VADODARA : ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા ફેરફાર, ખૂણે ખૂણેથી કચરો એકત્ર કરાશે
VADODARA : વડોદરા (VADODARA) માં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન (DOOR TO DOOR WASTE COLLECTION - VADODARA) ની કામગીરીમાં પાલિકા તંત્ર દ્વારા મોટા ફેરફાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે કચરા ગાડીઓની સંખ્યામાં વધારો કરવાની સાથે અંતરિયાળ વિસ્તારો, સોસાયટીઓમાં જ્યાં મોટી ગાડીઓ ના જઇ શકે, ત્યાં નાના ઇ-વાહનો મોકલીને ખૂણે ખૂણેથી કચરો એકત્ર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ વ્યવસ્થા હકીકતે લાગુ થઇ ગયા બાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો અગ્રિતાક્રમ આવે તેવી આશા લોકો અને તંત્ર બંને સેવી રહ્યા છે.
સ્વચ્છતા સુપરવાઇઝર અલગથી રાખવામાં આવશે
વડોદરા પાલિકા (VADODARA - VMC) ના નવા આયોજન અનુસાર, અગાઉ 2500 ઘર વચ્ચે એક ગાડી કચરો કલેક્ટ કરતી હતી. જેની સંખ્યા હવે 1,000 ઘરો વચ્ચે એક કરી દેવામાં આવી છે. દરેક વાહનમાં ચાર પ્રકારના ભીનો કચરો, સુકો કચરો, ઘરેલું હેઝાર્ડસ કચરો અને સેનેટરી વેસ્ટનો કચરો લઇ શકાય તેવી અલગ વ્યવસ્થા હશે. એજન્સી દ્વારા તમામ સ્ટાફને કચરાનું એકત્રીકરણ કરવા માટેની ટ્રેઇનીંગ આપવામાં આવશે. આ કામગીરી અસરકારક રીતે થાય તે માટે સ્વચ્છતા સુપરવાઇઝર અલગથી રાખવામાં આવશે. કચરાને લઇ જતી વેળાએ રસ્તા પર વેરાઇ જવાની શક્યતાઓ ટાળવા માટે બંધ બોડીના વાહનોનો મહત્તમ ઉપયોગ કરાશે.
રાત્રે બજારો-દુકાનો બહાર થતો રસ્તા પરનો કચરો અટકાવી શકાશે
વધુમાં રહેણાંક વિસ્તારો, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, ધાર્મિક તથા અન્યત્રેથી પણ કચરો લેવામાં આવશે. આ કચરો સીધો જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોસેસીંગ યુનિટ સુધી લઇ જવાશે. રહેણાંક વિસ્તારોમાં સવારે 6 થી બપોરે 2 સુધી અને કોમર્શિયલ એકમોમાં સવારે 9 થી બપોરે 1 અને સાંજે 6 થી રાત્રે 10 દરમિયાન કચરો એકત્ર કરવામાં આવશે. જેથી રાત્રે બજારો-દુકાનો બહાર થતો રસ્તા પરનો કચરો અટકાવી શકાશે.
સમય ચૂક્યા તો પેનલ્ટી વસુલાશે
શહેરના જૂના સિટી વિસ્તારમાં જ્યાં મોટા વાહનો જઇ ના શકે ત્યાં ઇ-રીક્ષા તથા હાથલારી થકી કચરો એકત્ર કરવામાં આવશે. દરેક વાહનમાં ટાઇમ પ્લેસ મુવમેન્ટ નક્કી કરવામાં આવશે. જેમાં 45 મીનીટ વહેલા અથવા મોડું કવરેજ કરવાનું રહેશે. આ સમય ચૂક્યા તો પેનલ્ટી વસુલવામાં આવશે. સોસાયટીઓની આંતરિક વ્યવસ્થા જાણ્યા બાદ આ નક્કી કરવામાં આવશે. જેનું ચોક્સાઇ પૂર્વક પાલન કરવાનું રહેશે. પાલિકા દરેક વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાડશે, જેને રાઉન્ડ ધી ક્લોક ચાલુ રાખવામાં આવશે. જેનું વોર્ડ સ્તર સુધીમાં અસરકારક મોનીટરીંગ કરવામાં આવશે.
કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે જોવું રહ્યું
આમ, પાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી અસરકારક બનાવવા માટેની બ્લુપ્રિન્ટ તો સારી રજુ કરી છે. હવે તેને કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે જોવું રહ્યું. જો આ વ્યવસ્થા કાગળની જેમ હકીકતમાં જમીન પર લાગુ થાય તો વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રિમતા ક્રમ મેળવી શકે છે.
આ પણ વાંચો -- Winter in Gujarat : અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને હાશકારો! કચ્છમાં નાગરિકો ધ્રુજી ઉઠ્યા!