VADODARA : સરકારી જમીન પરના 314 ધાર્મિક દબાણો દુર કરવા VMC સજ્જ
VADODARA : વડોદરા સહિત તમામ જગ્યાએ સરકારી જમીન પર ધાર્મિક દબાણો મામલે કોર્ટ દ્વારા યાદી મંગાવવામાં આવી હતી. જેના અનુસંધાને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા પાલિકા દ્વારા 393 સ્થળોની યાદી રજુ કરવામાં આવી હતી. તે પૈકી કેટલાક સ્થળોએ સ્વૈચ્છીક રીતે ધાર્મિક દબાણો દુર કરી દેવામાં આવતા હવે માત્ર 314 જેટલા દબાણો જ દુર કરવાના બાકી છે. જેમાં વિવિધ તબક્કાઓમાં કામગીરી કરીને તેને શાંતિપૂર્ણ રીતે દુર કરવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાધુ-સંતો અને ધર્મના વડાઓ સાથે મિટીંગની સુચના
VMC ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) કેતન જોષીએ મીડિયાને જણાવ્યું કે, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણોની યાદી મંગાવવામાં આવી હતી. જેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરાના ચારેય ઝોનમાં મળીને 393 દબાણોની ઓળખ કરવામાં આવી છે. આ દબાણો પર નોટીસની બજવણી કરવામાં આવી હતી. તેને ધ્યાને લઇને અમુક ધાર્મિક દબાણો સ્વૈચ્છીક રીતે દુર થઇ જતા આજની તારીખે 314 દબાણો વડોદરામાં છે. તેમની માટે સરકારની સૂચના મુજબ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ધાર્મિક દબાણોની ચર્ચા કરવામાં આવી છે. આ દબાણોના સાધુ-સંતો અને ધર્મના વડાઓ સાથે મિટીંગની સુચના કરવામાં આવી છે. તેમની સાથે મીટિંગ કરીને આ દબાણો સ્વૈચ્છાએ હટાવે તેવા પ્રયાસો કરવાના છે. ત્યાર બાદ વૈકલ્પિક જગ્યાએ રીલોકેટ કરવાની અને ત્યાર બાદ તે નિયમીત થઇ શકે, તો તેને નિયમીત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
માન-સન્માન સાથે દુર કરવામાં આવશે
રોડ પરના દબાણો અનિવાર્યપણે દુર કરવાના થશે, તેને કોઇની લાગણી ના દુભાય તે રીતે માન-સન્માન સાથે દુર કરવામાં આવશે. આ મિટીંગમાં પોલીસ વિભાગના પ્રતિનિધિઓ આવ્યા હતા. આ કાર્ય સમયે પોલીસ બંદોબસ્ત દુર કરવામાં આવશે. પહેલા દબાણો સ્વૈચ્છીક રીતે દુર થશે, ત્યાર બાદ તેમને રીલોકેટ અને ત્યાર બાદ તેમને નિયમીત કરવાની કાર્યવાહી આવશે. અંતિમ અને ચોથા તબક્કામાં દબાણો દુર કરવામાં આવશે.
આ પણ વાંચો --- Dahod : જૈન સાધ્વીને અડફેટે લેનાર ચાલકને શોધવા 130 પોલીસકર્મીઓની ઝીણવટભરી તપાસ