VADODARA : ગાજરાવાડીમાં STP નું ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી છોડાતા નર્કાગાર
- વડોદરાના ગાજરાવાડીમાં સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું
- પાલિકાના પાપે સ્થાનિકો પારાવાર ગંદકી વચ્ચે રહેવા મજબુર
- પાલિકાના અધિકારીએ પણ ચેમ્બર ઉભરાઇ હોવાનો સ્વિકાર કર્યો
VADODARA : વડોદરાના ગાજરાવાડીમાં એસપીટીમાંથી ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવતા નર્કાગાર જેવી સ્થિતીનું સર્જન થયું છે. આ મામલે સ્થાનિકો દ્વારા કોર્પોરેટર અને અધિકારીઓને જાણ કરવામાં આવે છે. પરંતુ આ સમસ્યાનો કોઇ ઉકેલ આવતો નથી. હજી તો ચોમાસું બેઠું નથી ત્યારે આ હાલત છે, તો ચોમાસું કેવું જશે, તેનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે આક્રોશિત સ્થાનિકે મીડિયાને કહ્યું કે, વોટ માંગ્યા તો ચપ્પલ પડશે. રોગચાણો ફાટી નીકળે તેવા ભયના ઓથાર હેઠળ જીવતા સ્થાનિકોની સમસ્યા કેટલા સમયમાં દુર થાય છે તે જોવું રહ્યું.
સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી
વડોદરામાં પાલિકાના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ગાજરાવાડી વિસ્તારમાં એસટીપીમાંથી ગટરના પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ છોડવામાં આવ્યું છે. જેને પગલે નર્કાગાર જેવી સ્થિતી સર્જાઇ છે. આ જ ગંદા પાણીમાંથી સ્થાનિકો પસાર થવા મજબુર બન્યા છે. માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ વચ્ચે નાક બંધ કરીને પસાર થવું પડે તેવી સ્થિતી છે. આ પરિસ્થિતીના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
કોર્પોરેટર કોઇ ખાસ કામ લાગતા નથી
આક્રોશિત સ્થાનિકે મીડિયાને કહ્યું કે, વરસાદથી પાણી ભરાઇ જાય છે, તેની સાથે એસટીપી પ્લાન્ટમાંથી પાણી છોડાય છે. આ અંગે અધિકારીઓનું ધ્યાન દોરીએ તો તેઓ જવાબ આપે છે કે, આગળથી પાણી આવે છે. કોર્પોરેટર કોઇ ખાસ કામ લાગતા નથી. જો હવે વોટ માંગવા આવશે, તો ચપ્પલ પડશે. આ અંગે પાલિકાના એન્જિનિયરે ચેમ્બર ઉભરાતા આ પરિસ્થિતી સર્જાઇ હોવાનું માન્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા આક્રોશિત થઇને મીડિયા સમક્ષ રજુઆત બાદ આ સમસ્યા કેટલા સમયમાં દુર થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- Surat: ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલિશન, 2 હજાર ચોરસ મીટરમાં કરાયા હતા ગેરકાયદે દબાણો