VADODARA : HMP વાયરસના ભય વચ્ચે શાળાઓમાં ઓનલાઇન ક્લાસ શરૂ કરવા માંગ
VADODARA : વડોદરા સહિત દેશ-દુનિયામાં HMP વાયરસ (HMPV FEAR) નો ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો તેનો શિકાર બનતા હોવાથી વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને ઓનલાઇન ક્લાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સિઝનના હિસાબે અન્યને ચેપ ના લાગે તે વાતને ધ્યાને રાખીને આ માંગ મુકવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું છે.
બાળકોની હાજરી મરજીયાત રાખવા માટે પત્ર
વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં અવાજ ઉઠાવવામાં આવે છે. તાજેતરમાં HMP વાયરસનો કહેર દુનિયાના ખુણે ખુણે જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદમાં પણ એક કેસ પોઝીટીવ આવ્યો હોવાથી લોકો ફફડી ઉઠ્યા છે. ત્યારે વડોદરા પેરેન્ટ્સ એસો. દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને શાળામાં શિક્ષણ કાર્યમાં બાળકોની હાજરી મરજીયાત રાખવા માટે પત્ર લખવામાં આવ્યો છે.
સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોને શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રાખો
પત્રમાં જણાવાયું છે કે, HMP વાયરસથી રોગની ભીતિના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં તાકીદના ભાગરૂપે શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોને શૈક્ષણિક કાર્યથી અલિપ્ત રાખીને બીજા બાળકોમાં આ પ્રકારના લક્ષણો કે રોગ સંક્રમિત ના થાય તે બાબતે ધ્યાનમાં રાખીને બાળકોની હાજરી મરજીયાત કરવા માટે એસો. વિનંતી કરે છે.
યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં હુકમ કરવામાં આવે
આ સાથે લખ્યું કે, બાળકો અને વાલીઓમાં આ વાયરલ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તમામ શાળાઓમાં તાકીદના પગલાં લઇ યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં પણ હુકમ કરવામાં આવે. અને શિક્ષણથી અલિપ્ત રહેલા બાળકોને ઓનલાઇન માધ્યમથી શિક્ષણ આપવામાં આવે તેવી પણ માંગણી છે.
અગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવે તેવી વાલીઓની માંગ
અત્રે નોંધનીય છે કે, વડોદરામાં હજી સુધી એક પણ HMP વાયરસનો કેસ સામે આવ્યો નથી. પરંતુ તેની શક્યતાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે શાળાઓ દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવે તેવી વાલીઓની માંગ છે. આ માંગ વીપીએ દ્વારા સક્ષમ અધિકારી સમક્ષ મુકવામાં આવી છે. હવે તેમના દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો -- HMPV વાયરસનો વધુ એક કેસ મુંબઈમાં નોંધાયો, અત્યાર સુધીનો આ દેશમાં 11મો કેસ