VADODARA : વાઘોડિયામાં પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ખાબકી, ચાલક ગંભીર
VADDOARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા વાઘોડિયા (WAGHODIA) માં ખાંધા રોડ પર હિરાવંશી ફળિયા નજીક પાલિકાએ ખોદેલા ખાડામાં મોડી રાત્રે બાઇક ખાબકી છે. જેમાં ચાલકનું અતિગંભીર હાલતમાં રેસ્ક્યૂ કરીને તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જેમાં હાલ ચાલકની તબિયત નાજુક હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પાલિકા દ્વારા કોઇ પણ પ્રકારનું બેરીકેટીંગ કર્યા વગર ખાડો ખુલ્લો મુકી દેતા આજે એક શખ્સ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. હવે આ મામલે બેજવાબદારો સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
ખાડાની ફરતે બેરીકેટીંગ કરવાનું પાલિકા ભૂલી જતા મોટી દુર્ઘટના સર્જાઇ
વડોદરા ગ્રામ્યમાં આવતા વાઘોડિયા નગર પાલિકાની અતિગંભીર બેદરકારી છતી કરતો કિસ્સો સપાટી પર આવ્યો છે. તાજેતરમાં વાઘોડિયા નગર પાલિકા દ્વારા પાણીની લાઇનમાં રીપેરીંગ કાર્ય કરવા માટે વાઘોડિયા-ધાંધા રોડ પર હિરાવંશી ફળિયા પાસે ખોદકામ કરીને 10 ફૂટ જેટલો ઉંડો ખાડો ખોદવામાં આવ્યો છે. જાહેર માર્ગ નજીક ખોદવામાં આવેલા ઉંડા ખાડાની ફરતે બેરીકેટીંગ કરવાનું પાલિકા ભૂલી જતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. તાજેતરમાં આ સ્થળેથી બાઇક પર પસાર થતો યુવક ખાડાનો અંદાજો ના લગાવી શકતા તેમાં ખાબક્યો હતો. જેમાં યુવકને અતિગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત નાજુક
મોટો અવાજ થતા જ સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને એકબીજાની મદદથી ખાડામાં પડેલા બાઇક ચાલકને જેમતેમ રેસ્ક્યૂ કર્યો હતો. અને ત્યાર બાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં અતિગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા ઇજાગ્રસ્ત બાઇક ચાલકની હાલત નાજુક હોવાનું તબિબોનું કહેવું છે. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને આ પ્રકારનું બેજવાબદારી વાળું કૃત્ય કરનાર પાલિકાના અધિકારી-કર્મચારી વિરૂદ્ધ કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.
કરે કોઇ ભરે કોઇ જેવો ઘાટ સર્જાયો
આમ, ઉપરોક્ત કિસ્સામાં કરે કોઇ ભરે કોઇ જેવો ઘાટ સર્જાયો છે. પાલિકા દ્વારા કામગીરી અર્થે ખોદવામાં આવેલા ખાડાની ફરતે જરૂરી બેરીકેટીંગ નહીં કરતા એક નિર્દોષ બાઇક ચાલક મોડી રાત્રે તેમાં ખાબક્યો હતો. અને હવે તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : શ્રમજીવીનો બે કટકા કરેલો મૃતદેહ મળ્યો, કારણ અકબંધ


