VADODARA : પાલિકાના આડેધડ ખોદકામથી લોકો ત્રસ્ત, એકસુરે નોંધાવ્યો વિરોધ
VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 9 માં આવતા વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે. આ ખોદકામ કર્યાની સ્થિતી ત્રણ મહિનાથી વધુ સમયથી યથાવત રહેતા રસ્તો માત્ર પગદંડી જેટલો જ રહી ગયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. જેને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. આ સાથે જ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હવે સ્થાનિકોની મુશ્કેલી વધી છે. જેથી આજે મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. અને તંત્ર સામે મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો છે.
જુદા જુદા કોન્ટ્રાક્ટર હોવાથી તેઓ કોઇ જવાબદારી લેવા તૈયાર નથી
સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, અમે સરોજ પાર્કમાં રહીએ છીએ. અમારો વોર્ડ નં - 9 લાગે છે. જીવાભાઇ સોસાયટીથી ઉંડેરા ગામને જોડતો જે રસ્તો છે, તેના પર 6 મહિનાથી કામ ચાલે છે. વિતેલા ત્રણ મહિનાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. જુદા જુદા કોન્ટ્રાક્ટર હોવાથી તેઓ કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. બાળકોને શાળા, દવાખાનું, શુભ-અશુભ પ્રસંગે ભારે મુશ્કેલી પડી રહી છે. તેઓએ આડેધડ ખાડા ખોદડા અમે પરેશાન થઇએ છીએ. કોન્ટ્રાક્ટરોએ પહેલા દબાણ દુર કરીને, ત્યાર બાદ આ કામ શરૂ કરવું જોઇતું હતું. આ વિસ્તારમાં દબાણની અલગ જ સમસ્યા છે. આવામાં પાણીની પાઇપો તુટતા લોકો પડી જાય છે, તેમની મદદ માટે એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી. સરોજ પાર્કમાં પાણીની ભારે મુશ્કેલી છે. ચાર દિવસથી પાણી નથી મળી રહ્યું, અમે ટેન્કર પણ મંગાવી શકતા નથી. જેના પર વિતે, તે જ જાણે, તમે વોટ લેવા આવો છો, તમે ચૂંટાઇને આવો ત્યારે તમારી અમારી સમસ્યા જોવાની ફરજ બને છે. જો અમારા પ્રશ્ને સમયસર નહીં ઉકેલાય તો વોટ માંગવા આવવાનું તમને ભારે પડી જશે.
અંદરોઅંદરની માથાકુટના કારણે અમે ભોગવી રહ્યા છે
અન્ય મહિલાએ જણાવ્યું કે, ગટરની લાઇન નાંખવાનું ખોદકામ કરવાના કારણે પગદંડી જેટલો પણ રસ્તો રહ્યો નથી. કોઇનો પણ વિચાર કર્યો નથી. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત પાણી આવતું નથી. ત્રણ મહિનાથી ચાલતી કામગીરીની કોઇ દેખરેખ નથી રાખતું. તેઓની અંદરોઅંદરની માથાકુટના કારણે અમે ભોગવી રહ્યા છે. અમે મત આપ્યાનો જે લાભ થવો જોઇએ, તે મળ્યો નથી. આ માટે અમારે કોને જવાબદાર ઠેરવવા ? બાર મહિનામાં અમારે આઠ મહિના આ જ રીતે કાઢવાના છે.
આ પણ વાંચો -- VADODARA : ગદાપુરામાં જ્યાં નજર નાંખો ત્યાં ગંદકી જ ગંદકી