VADODARA : સોમવારે મોટું શટડાઉન, 5 લાખ લોકોને પાણી નહીં મળે
VADODARA : વડોદરા શહેરમાં પાણીને લઇને ઠેર ઠેર વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ફાજલપુરથી આવતી મુખ્ય નલિકામાં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ સામે મોટું ભંગાણ પડ્યું છે. જેના કારણે રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ખાસ કરીને ઉત્તરઝોનમાં પાણીનો વધારે કકળાટ સામે આવ્યો છે. જે વચ્ચે પાણીની લાઇનના રીપેરીંગ માટે સોમવારે મોટા શટડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે 5 લાખ લોકોને પાણીનું વિતરણ નહીં થઇ શકે. રવિવારની રજાના બીજા દિવસે સોમવારે લાખો લોકોએ જાતે પાણીની સુવિધા કરવી પડશે. (SHUTDOWN DUE TO REPAIRING OF WATER LINE LEAKAGE, 5 LAKH PEOPLE DON'T GET WATER SUPPLY - VADODARA)
ચાલુ પાણીએ ભંગાણનું સમારકામ શરૂ કર્યું હતું
વડોદરા પાસે પીવાના પાણીના પુરતા સ્ત્રોત છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર સતત ઉણું ઉતરતું આવ્યું છે. જેને પગલે શહેરવાસીઓએ ભોગવવાનો વારો આવતો હોય છે. તાજેતરમાં નિઝામપુરા ભૂખી કાંસમાં ફાજલપુરથી આવતી 900 મીમીની પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ શુક્રવારે પાલિકાની ટીમો દ્વારા ચાલુ પાણીએ ભંગાણનું સમારકામ શરૂ કર્યું હતું. પરંતુ તે શક્ય થઇ શકે તેમ ન્હતું. જેથી તેનું રીપેરીંગ કાર્ય પૂર્ણ કરવા માટે શટડાઉન લેવું જરૂરી જણાતું હતું.
સવારે પાણીનું વિતરતણ કરી દેવામાં આવશે
પાલિકા દ્વારા સોમવારે સમારકામ માટે શટડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે ઉત્તરઝોનમાં આવતી 6 ટાંકી અને 4 બુસ્ટરના લોકોને પાણી નહીં મળે. સવારે પાણીનું વિતરતણ કરી દેવામાં આવશે, ત્યાર બાદ સાંજે શટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાદ મંગળવારે સવારે ઓછા દબાણથી પાણી આપવામાં આવશે. એટલે બુધવારે પાણી વિતરણની વ્યવસ્થા નિત્યક્રમ મુજબ થનાર હોવાનું પાલિકાના પ્રાથમિક સુત્રોએ જણાવ્યું છે.
કોઇ નિરાકરણ આવી રહ્યું નથી
આ તકે વોર્ડ નં - 1 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ મીડિયાને જણાવ્યું કે, ટીપી 13 ની ટાંકીમાં એક સપ્તાહથી લિકેજ છે. છતાં તેનું સમારકામ થતું નથી. એક સપ્તાહથી અધિકારીઓને ફોટા, વીડિયો અને માહિતી મોકલવામાં આવે છે. પરંતુ તેનું કોઇ નિરાકરણ આવી રહ્યું નથી.
કઇ ટાંકી-બુસ્ટરને અસર થશે
- છાણી ગામ ટાંકી
- લાલબાગ ટાંકી
- જેલરોડ ટાંકી
- સયાજીબાગ ટાંકી
- સમા ટાંકી
- ટીપી - 13 ટાંકી
- સમા ટાંકી
- છાણી જકાતનાકા ટાંકી
- પરશુરામ બુસ્ટર
- નવી ધરતી બુસ્ટર
- જુનીગઢી બુસ્ટર
- બકરાવાડી બુસ્ટર
આ પણ વાંચો --- VADODARA : 16 ગામોમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે આધુનિક પ્લાન્ટ નંખાશે