Valsad News: જૂજવા ગામે ગમખ્વાર અકસ્માત, કાર-બાઈક ટક્કરમાં 2 યુવાનોના મોત
Valsad News: વલસાડ જિલ્લાના જૂજવા (Jujva) ગામ નજીક આજે સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યો છે.
બાઈક પર ત્રણ વ્યક્તિઓ સવાર હતા
પ્રાથમિક માહિતી મુજબ, બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ઓવરટેક (Overtaking) કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક કરવાના પ્રયાસમાં બાઈક ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઈક આગળ જતી કારના પાછળના ભાગના બમ્પર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા.
Valsad News: મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસ (Valsad Rural Police) ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ અકસ્માતને પગલે જૂજવા ગામના માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કરાવી હતી.
ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી
વલસાડ રૂરલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. કાર ચાલકની પૂછપરછ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરીને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે વાહનચાલકોને સાવધાની રાખવા અને ઓવરટેક કરતી વખતે પૂરતી તકેદારી રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Mehsana News: પાટીદાર યુવતીના શંકાસ્પદ મોત બાદ પરિવારના ગંભીર આક્ષેપ, SIT તપાસની માગ


