Vikas Saptah : ગુજરાતના વિકાસમાં MSME એકમોનો સિંહફાળો
- Vikas Saptah : ગુજરાતને દેશનું આર્થિક ગ્રોથ એન્જિન બનાવવામાં સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEની ભૂમિકા પાયારૂપ
- રાજ્યમાં ૨૭ લાખથી વધુ MSME એકમો કાર્યરત
Vikas Saptah : નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)ના મુખ્યમંત્રી તરીકેના પરિવર્તનકારી કાર્યકાળથી લઈને વડાપ્રધાન તરીકેના દૂરંદેશી નેતૃત્વ સુધી, ગુજરાત અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરીને આજે એક અગ્રેસર રાજ્ય તરીકેની ઓળખ બનાવી છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSME ક્ષેત્રે થયેલી કામગીરી નોંધનીય છે.
આજે MSME એકમોને ગુજરાતના વિકાસનું એન્જિન માનવામાં આવે છે. રાજ્યમાં હાલ ૨૭ લાખથી વધુ MSME એકમો કાર્યરત છે, જે રાજ્યની ઔદ્યોગિક પ્રગતિમાં મોટો હિસ્સો ધરાવે છે. આ એકમો દ્વારા લાખો યુવાનોને રોજગારી પૂરી પાડી રોજગારીનું સર્જન કરવામાં આવી રહ્યું છે. MSME વિકાસમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે.
Vikas Saptah : રાજ્ય સરકાર MSME માટે અનેક માળખાકીય સુવિધાઓ પૂરી પાડી
રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર MSME એકમો માટે વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૮૦ હજારથી વધુ ક્લેઈમ અરજીઓ થકી રૂ. ૪,૧૦૦ કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી()ના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહફાળો આપી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ'-'Enterprise Registration Certificate' ની પ્રક્રિયા અંતર્ગત ૨૭ લાખથી વધુ ઉદ્યમ સાહસિકોની નોંધણી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balvantsinh Rajput)ના નેતૃત્વમાં રાજ્ય સરકાર MSME માટે અનેક માળખાકીય સુવિધાઓ પૂરી પાડી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDC દ્વારા ૨૦૦થી વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે, જ્યાં MSME એકમોને પ્લોટ, માળખાગત સુવિધાઓ અને સબસિડી પૂરી પાડવામાં આવે છે. MSME એકમોને પ્રોત્સાહન આપવા અને રોકાણને શહેરોની બહાર લઈ જવા માટે “વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો”નું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતે MSME ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ ખૂબ મોટો વેગ આપ્યો છે.
Vikas Saptah : કુલ રૂ. ૧૯ હજાર કરોડથી વધારેની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવી
રાજ્ય સરકારે કેટલીક MSME ફ્રેન્ડલી નીતિઓ પણ બનાવી છે, જેમ કે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME ' જેવી ખાસ ઔદ્યોગિક નીતિ, વિવિધ મંજૂરીઓ ઝડપથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ, સબ-કમિટીઓ અને કોન્ક્લેવનું આયોજન, સપ્લાય ચેઈન લિન્કેજ, ગુણવત્તા સુધારણા અંતર્ગત 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' ZED પ્રમાણપત્ર, ઔદ્યોગિક નીતિઓ અને આત્મનિર્ભર યોજના હેઠળ વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE (કોલેટરલ-ફ્રી લોન) સહાય જેવી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે છે. ગુણવત્તા સુધારણા યોજના અંતર્ગત ZED સર્ટિફીકેટ આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે તથા અત્યારસુધીમાં કુલ ૭૩,૪૬૫ ZED પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. CGTMSE યોજના અંતર્ગત એક લાખથી વધારે લોન અરજીઓને કુલ રૂ. ૧૯ હજાર કરોડથી વધારેની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવી છે.
વધુમાં, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભરૂચ, જામનગર, ભાવનગર અને વલસાડ જેવા શહેરો બહુ-ઉત્પાદન MSME ક્લસ્ટર તરીકે વિકાસ પામ્યા છે, જ્યાં નાના એકમો એકસાથે કામ કરીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બને છે. આ ઉપરાંત રાજ્યમાં વિલંબિત ચુકવણી માટેના કેસોના ઝડપથી નિકાલ કરવા માટે ૬ Regional MSEFC કાઉન્સિલની સ્થાપના પણ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી હબ તરીકે વિકસિત
ગુજરાત ઓટોમોબાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. આ ઉપરાંત રાજ્યે નવા ઉભરતા ક્ષેત્રો જેવા કે, સેમિકન્ડક્ટર નીતિ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને ફિનટેક જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ આકર્ષિત કર્યું છે. વધુમાં, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાની સિદ્ધિ પણ મળી છે. આ ઉપરાંત ગુજરાતને "નીતિ-આધારિત" (Policy-Driven) રાજ્ય તરીકે સ્થાન સ્થાપિત કર્યું છે, જ્યાં રોકાણકારો માટે વ્યાપારિક સરળતામાં (Ease of Doing Business) વધારો થયો છે.
ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવાના માટે રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ"ની પરિકલ્પના કરી હતી. કોર્પોરેટ લીડર્સ, વિવિધ ક્ષેત્રોના રોકાણકારો, થોટ લીડર્સ, પોલિસી અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવવા માટે ગુજરાતમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૩માં "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ"નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-VGGS એ વર્ષ ૨૦૦૩માં શરૂ થયા પછી ગુજરાતના આર્થિક વિકાસનું મુખ્ય માધ્યમ બની છે. છેલ્લા બે દાયકામાં એટલે કે વર્ષ ૨૦૦૩થી ૨૦૨૫ સુધી, આ સમિટે રોકાણ, રોજગારી અને ઔદ્યોગિક સિદ્ધિઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
આ પણ વાંચો : Vadodara : વિકાસ સપ્તાહના ત્રણ દિવસમાં 1096 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા