Rajkot: શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ; લોકોના ઘરોમાં ફરી વળ્યા વરસાદી પાણી, ડેમ થયા ઓવરફ્લો
- ભારે વરસાદને પગલે રાજકોટ થયું જળબંબાકાર
- રામનાથપરા વિસ્તારમાં 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં
- ભારે વરસાદને કારણે મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરાયો
Rajkot: રાજકોટમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રામનાથપરા વિસ્તારમાં 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. આજી નદીના કાંઠે વસવાટ કરતા લોકોની પણ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા દોરડા વડે લોકોને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને ખંભે બેસાડી બહાર કાઢવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, તંત્ર દ્વારા આવશ્યક પગલાં ઉઠાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
100 થી વધુ લોકો નું રેસ્કયું કરવામાં આવ્યું: મનપા કમિશનર
Rajkot મનપા કમિશનર DP દેસાઈ અને સ્થાનિક ધારાસભ્ય રમેશ તિલાળા હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ફિલ્ડમાં પહોંચ્યા છે. તેમણે રામનાથપરા અને લલુડી હોકડીના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. મનપા કમિશનર દ્વારા જણાવ્યું છે કે, 100 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને, તંત્ર દ્વારા જરૂરી પગલાં ઉઠાવા અને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે હલચલ જારી છે.
તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવાની તકેદારી લેવામાં આવી
રાજકોટ (Rajkot)માં ભારે વરસાદને કારણે મહિલા કોલેજ અંડર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવાની તકેદારી લેવામાં આવી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેના પરિણામે હાલાકી સર્જાઈ છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય માર્ગ અને સેલર પણ પાણીથી ભરાઈ ગયા છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલની નજીક, આઝાદ ચોક અને નાના મૌવા રોડની સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.
આ પણ વાંચો: Heavy Rains in Gujarat: ગુજરાત માટે આગામી ત્રણ કલાક રહેશે ‘અતિ’ ભારે, નાવકાસ્ટની આગાહી
રાજકોટમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
ગુજરાતમા ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે રાજકોટમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મળતી વિગતો પ્રમાણે રામનાથ મહાદેવ મંદિર ખાતે આજી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આજી ડેમ ઓવરફ્લો આજી નદી બે કાંઠે વહેતી થઇ છે. રામનાથ મહાદેવ મંદિરની ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જેને લઇ લોકોમાં ભારે ભય ફેલાયો છે. નોંધનીય છે કે, રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે ગોંડલનો મોતીસર ડેમ ઓવરફ્લો થયો
નોંધનીય છે કે, ગોંડલ શહેર અને પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસે આવેલ મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. આ સાથે મોતીસર ડેમના સિંચાઈ કર્મચારી આરીફભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મોતીસર ડેમના 3 દરવાજા 40 ડિગ્રી ખોલવામાં આવ્યાં છે. દરવાજા ખોલતાજ હડમતાળા, કોલીથડ અને ગરનાળા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. મોતીસર ડેમમાં 2240 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક જોવા મળી છે.
આ પણ વાંચો: વરસાદથી Gujarat થયું જળબંબાકાર, રોડ અને રેલ સહિત હવાઈ માર્ગને પણ થઈ અસર
સોસાયટીના અનેક ઘરોમાં વરસાદદી પાણી ઘુસી ગયા
રાજકોટ (Rajkot)ના નાના મૌવા રોડની સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસવાથી ભારે પરેશાનીના દ્રશ્યો સર્જાયા છે, અને સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ આ પ્રકારની મુશ્કેલી નોંધાઈ છે. આખી રાત લોકોએ પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢવા માટે વિતાવી હોવાનું સામે આવ્યું છે. ડીઆઈ પાઇપલાઇનનાં અધૂરા કામોને કારણે ઘણા રસ્તાઓ પર નદી જેવું પાણી વહી રહ્યું છે, જેના કારણે સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘુસી ગયું છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂષ વિસ્તારના લાખો રૂપિયાની કિંમતના મકાનો પણ ભારે વરસાદથી ખોટા થઈ ગયા છે, જેનાથી લોકોની મુશ્કેલીઓ વધવી છે.
આ પણ વાંચો: GPSC દ્વારા DYSO ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત, ઉમેદવારોને નડ્યો વરસાદ
તળાવો અને નદીઓમાં પાણીનું સ્તર વધ્યું
ગોંડલમાં મોડીરાતથી વહેલી સવાર સુધી ધીમીધારે 4 ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે તળાવો અને નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. અવિરત વરસાદને પગલે વેરી તળાવ, આશાપુરા ડેમ, સેતુબંધ અને ગોંડલી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. 75 પાટિયા ધરાવતો વેરી તળાવ પાટિયા પરથી 2 ફૂટ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મોટાભાગના દરવાજા ખુલ્યા છે. વર્તમાનમાં, વેરી તળાવમાં 9600 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જાવક નોંધાઈ છે, જેના પરિણામે તળાવ ઓવરફ્લો થતા પુલ પર પાણી ફરી વળ્યાં છે. ગોંડલ - અમરેલી - બગસરા - ભાવનગર માર્ગે ભારે વાહનો માટેના પુલ બંધ થઈ ગયા છે, જેનાથી સ્થાનિક પરિવહન પર અસર પડી છે.