Himatnagar માં નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કયારે કરાશે..? પ્રજાને પડી રહી છે પારાવાર મુશ્કેલી
- Himatnagar નવી નગરપાલિકા ભવનનું લોકાપર્ણ કયારે થશે
- એક કરોડથી વઘુના ખર્ચે તૈયાર નગરપાલિકા ભવન તૈયાર કરાયું
- હિંમતનગરની જનતાને ઉગ્રમાંગ વહેલી તકે ભવનનું લોકાર્પણ કરાય
હિંમતનગરના ટાવરરોડ પર એક કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન ભવન છેલ્લા કેટલાક સમયથી લોકાપર્ણમાં થઈ રહેલા વિલંબને કારણે શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે ત્યારે પાલિકાના સત્તાવાળાઓમાં ચાલી રહેલા જૂથવાદને કારણે નવીન ભવનનું લોકાપર્ણનો સમય નક્કી થતો નથી. તેના કારણે પાલિકાના કર્મચારીઓ સાથે રોજબરોજ કામે આવતા રહીશોને અગવડોનો સામનો કરવો પડે છે. જેથી તાલુકા, જિલ્લા અને સ્થાનિક નેતાઓએ ઉદ્ઘાટનનો દેખાડો જ્યારે કરવો હોય ત્યારે કરજો પણ હાલ તો પ્રજાની સગવડ ખાતર નવીન ભવનને કાર્યરત કરવું જોઈએ તેવો હિંમતનગર વાસીઓનો મત છે.
Himatnagar માં બનેલું નવું ભવન શોભાના ગાંઠિયા સમાન
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર નગરપાલિકામાં કેટલાક નવીન વિસ્તારોને ભેળવી દેવામાં આવ્યા છે ત્યારે હાલ કાર્યરત ખેડ તસીયા રોડ સ્થિત હૂડાની કચેરીની જગ્યા ખૂબજ સાંકડી હોવાને કારણે કર્મચારીઓ તથા અરજદારોને ખૂબજ મુશ્કેલી વેઠવી પડે છે. તો બીજી તરફ ટાવરરોડ પર બી.ડીવીજન પોલીસ સ્ટેશન નજીક તૈયાર કરાયેલ પાલિકાનું નવીન ભવનનો ઉપયોગ ન થવાને કારણે પાલિકાના પદાધિકારીઓમાં ચાલી રહેલો જુથવાદ સપાટી પર આવી ગયો છે. દરમ્યાન પાલિકાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોઈ મંત્રી લોકાપર્ણ માટે સમય આપતા નથી. જે અંગે હિંમતનગર વાસીઓને ખબર પડતા કેટલાક જાગૃત નાગરિકોએ પોતાનો મત વ્યક્ત કરીને બળાપો કાઢયો છે જુથવાદને બાજુએ મૂકી સ્થાનિક અથવા તો તાલુકાના અગ્રણીના હસ્તે લોકાપર્ણ કરાવવું જોઈએ.
Himatnagar ની પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે
નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ લોકાપર્ણમાં થઈ રહેલા વિલંબને કારણે સંતુષ્ટ નથી. તેઓ પણ માને છે કે રૂા. ૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ નવીન ભવન કાર્યરત થાય તો મુખ્યત્વે અહીં કામે આવતા અરજદારોને વધુ ફાયદો થઈ શકે તેમ છે હાલ તો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો જૂના ભવન નજીક આવીને લોકોને પુછે કે હિંમતનગર નગરપાલિકા ક્યા આવી ? જેનો જવાબ સાંભળી કેટલાક અરજદારોને રિક્ષામાં અથવા તો ખાનગી વાહનમાં બેસીને ખેડ તસીયા રોડ પર આવેલ કામચલાઉ કચેરીમાં જવું પડે છે. જેથી સત્વરે પાલિકાના સત્તાવાળાઓ અને પદાધિકારીઓ મતમતાંરને એકબાજુ મૂકી પ્રજાને અનૂકુળતા રહે તે દિશામાં યોગ્ય નિર્ણય કરવો રહ્યો.
અહેવાલ - યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા
આ પણ વાંચો: Dairy industry of Gujarat : ઉત્તર ગુજરાતની સહકારિતા શક્તિ,ગામડાથી વૈશ્વિક બજાર સુધી