Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

World Bee Day : આઈન્સ્ટાઈનની પ્રેરણા, ગુજરાતની 'મધ ક્રાંતિ'

વિશ્વ મધમાખી દિવસ પર વાંચો કે કેવી રીતે જામનગરના હરસુખભાઈ ભીમાણીએ આઈન્સ્ટાઈનથી પ્રેરિત થઈને પર્યાવરણને અનુકૂળ મધમાખી પાલનની શરૂઆત કરી, જે ગુજરાતમાં ‘મધ ક્રાંતિ’ (Sweet Revolution) તરફ દોરી ગઈ
world bee day   આઈન્સ્ટાઈનની પ્રેરણા  ગુજરાતની  મધ ક્રાંતિ
Advertisement
  • World Bee Day : વિશ્વ મધમાખી દિવસ પર વાંચો કે કેવી રીતે જામનગરના હરસુખભાઈ ભીમાણીએ આઈન્સ્ટાઈનથી પ્રેરિત થઈને પર્યાવરણને અનુકૂળ મધમાખી પાલનની શરૂઆત કરી, જે ગુજરાતમાં ‘મધ ક્રાંતિ’ (Sweet Revolution) તરફ દોરી ગઈ

World Bee Day : સમગ્ર વિશ્વમાં 20 મેના દિવસને ‘વિશ્વ મધમાખી દિવસ’ (World Bee Day) તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીની જીવસૃષ્ટિ અને પર્યાવરણ સંતુલનમાં મધમાખીઓના અજોડ યોગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મધમાખી માત્ર મધ આપનારો જીવ નથી, પરંતુ તે કુદરતની પરાગ-નયન (Pollination) પ્રક્રિયાની સૌથી મજબૂત કડી છે. આ વૈજ્ઞાનિક સત્યને આત્મસાત કરીને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત હરસુખભાઈ ભીમાણીએ ગુજરાતમાં એક વિરાટ ‘મધ-ક્રાંતિ’નો પાયો નાખ્યો છે. એક સમયના સામાન્ય નોકરિયાતમાંથી આજે તેઓ વાર્ષિક 20,000 કિલો મધના ઉત્પાદન સાથે રૂ. 10 લાખની ચોખ્ખી આવક મેળવતા સફળ ઉદ્યોગસાહસિક અને પર્યાવરણ રક્ષક બન્યા છે.

World Bee Day :  આઈન્સ્ટાઈનના પુસ્તકથી થઈ શરૂઆત

શ્રી હરસુખભાઈ અગાઉ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં નોકરી કરતા હતા. ત્યાં તેમને સમજાયું કે મધ એ ધરતી પરનું ‘સુપર ફૂડ’ છે. આ દરમિયાન મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન(Albert Einstein)ના એક પુસ્તકે તેમના જીવનની દિશા બદલી નાખી. આઈન્સ્ટાઈને લખ્યું હતું કે:

Advertisement

"જે દિવસે પૃથ્વી પરથી મધમાખી નાશ પામશે, તેના માત્ર ચાર જ વર્ષમાં માનવ સૃષ્ટિનો અંત આવી જશે."

Advertisement

આ વિચારથી પ્રેરિત થઈને ખેડૂતપુત્ર હરસુખભાઈએ આ અજાણ્યા પંથ પર ડગ માંડ્યા અને પર્યાવરણના રક્ષણ માટે મધમાખી પાલનને પોતાનો પરમ ધર્મ બનાવી લીધો.

World Bee Day : શરૂઆતનો સંઘર્ષ અને ગુજરાત સરકારની વહારે

શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં એવો ભય હતો કે મધમાખી ફૂલોનો રસ ચૂસી લેશે તો પાકનું ઉત્પાદન ઘટી જશે. ખેડૂતોના આ ભ્રમને તોડવા માટે ગુજરાત સરકારનો બાગાયત વિભાગ હરસુખભાઈની મદદે આવ્યો. સરકારે ખેડૂતોને ખાતરી આપી અને હરસુખભાઈને 50 બોક્સ ખરીદવા માટે રૂ. 1.25 લાખની સબસિડી પૂરી પાડી.

હરસુખભાઈએ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત કરી આપ્યું કે મધમાખીથી પાક ઘટતો નથી, પરંતુ વધુ પરિપક્વ બને છે. તેમની આ સફળતા જોઈને રાજ્ય સરકારે તેમને સત્તાવાર રીતે ‘બી બ્રીડર’ (Bee Breeder) તરીકે રજિસ્ટર કર્યા અને વ્યવસાયના વિસ્તરણ માટે વધુ રૂ. 5 લાખની સહાય મંજૂર કરી. માત્ર 50 બોક્સથી શરૂ થયેલી તેમની સફર આજે 2100 બોક્સે પહોંચી છે.

અહિંસક મધ ઉત્પાદન 

હરસુખભાઈના કાર્યની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ સંપૂર્ણપણે ‘અહિંસક’ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખીને સહેજ પણ ઈજા પહોંચાડ્યા વગર મધ એકત્ર કરે છે. તેમની બ્રાન્ડ ‘સન કૃપા હની બી ફાર્મ’ હેઠળ 100 % શુદ્ધ મધ મળે છે. મધમાખીઓને પૂરતું પોષણ મળી રહે તે માટે તેઓ ઋતુ પ્રમાણે બોક્સને વાહનો દ્વારા રાજસ્થાન (ભરતપુર, કોટા) અને ઝારખંડ (રાંચી) સુધી સ્થળાંતર કરાવે છે.

આપત્તિમાં પણ અડીખમ અને નિઃશુલ્ક સેવા (બી-વેનમ થેરાપી)

વ્યવસાયમાં વાવાઝોડાને કારણે એક જ રાતમાં ૩૦૦ બોક્સ નષ્ટ થવા છતાં તેઓ હિંમત હાર્યા નથી. આર્થિક લાભ ઉપરાંત, હરસુખભાઈ મધમાખીના ઝેર દ્વારા ‘બી-વેનમ થેરાપી’ (Bee-Venom Therapy) આપીને સાંધાના અસહ્ય દુખાવા અને ગઠિયા વાના દર્દીઓની તદ્દન નિઃશુલ્ક સારવાર કરે છે. અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ દર્દીઓ આ થેરાપીથી પીડામુક્ત બન્યા છે.

નવા મધમાખી પાલકોને સંદેશ આપતા તેઓ કહે છે કે, માત્ર સબસિડીની લાલચમાં આવ્યા વિના, યોગ્ય સરકારી તાલીમ લઈને વૈજ્ઞાનિક ઢબે આ ઉમદા જીવને બચાવવાના હેતુ સાથે આ વ્યવસાયમાં જોડાવું જોઈએ.

હરસુખભાઈ ભીમાણીની આ પ્રેરણાદાયી સફર એ વાતની સાક્ષી પૂરે છે કે જો દ્રઢ સંકલ્પ અને વૈજ્ઞાનિક અભિગમ હોય, તો પરંપરાગત ખેતીની બહાર નીકળીને પણ ક્રાંતિ સર્જી શકાય છે.

ગુજરાત સરકારના કૃષિ-બાગાયત વિભાગનું યોગ્ય પ્રોત્સાહન અને હરસુખભાઈ જેવા ધરતીપુત્રોના અથાક પરિશ્રમના સમન્વયથી આજે રાજ્યમાં મધમાખી પાલન માત્ર એક પૂરક વ્યવસાય નથી રહ્યો, પરંતુ તે પર્યાવરણની રક્ષા સાથે ‘શ્વેત ક્રાંતિ’ અને ‘હરિત ક્રાંતિ’ની જેમ જ એક સમાંતર ‘મધ ક્રાંતિ’ (Sweet Revolution) તરીકે ઉભરી આવ્યું છે.

વિશ્વ મધમાખી દિવસે હરસુખભાઈનું આ મોડેલ દેશના અન્ય ખેડૂતો માટે પણ આત્મનિર્ભરતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો : PM Modi: યુરોપ પ્રવાસમાં વેરાવળનું ગૌરવ, જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશભાઈ ફોફંડી ભારતીય ડેલિગેશનનો ભાગ બન્યા

Tags :
Advertisement

.

×