Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Day Against Child Labour : 'બાળમજૂરી એ સમાજ પરનું કલંક'

કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય
world day against child labour    બાળમજૂરી એ સમાજ પરનું કલંક
Advertisement
  • World Day Against Child Labour : બાળ અને તરૂણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન કાયદા હેઠળ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૧૬ બાળકોને મુક્ત કરાવીને રૂ. ૭૨.૮૮ લાખનો દંડ વસૂલાયો
  • રાજ્યભરમાં ૪,૮૨૪ જેટલી રેડ કરીને ૪૫૫ બાળ શ્રમિકો અને ૧૬૧ તરુણ શ્રમિકોને મુક્ત કરાયા
  • ગત પાંચ વર્ષમાં દોષિતો સામે ૭૯૧ ફોજદારી કેસ અને ૩૩૯ એફ.આઈ.આર. નોંધાઈ

World Day Against Child Labour: બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારત સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ - ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત ગુજરાતમાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ચાર હજારથી વધુ રેડ પાડીને ૬૧૬ બાળકોને મુક્ત કરાવીને મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી રૂ. ૭૨.૮૮ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ ૭૯૧ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા

ગુજરાતમાં બાળ મજૂરી Child Labour ના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી કાર્યરત છે. આ કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૬૧૬ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦ થી એપ્રિલ ૨૦૨૫ સુધીમાં રાજ્યભરમાં ૪,૮૨૪ જેટલી રેડ કરીને ૪૫૫ બાળ શ્રમિકો અને ૧૬૧ તરુણ શ્રમિકો Young workersએમ કુલ ૬૧૬ બાળ-તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. જે અંતર્ગત મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી કુલ રૂ. ૭૨.૮૮ લાખ કરતાં વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. રાજ્યમાં આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ ૭૯૧ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ ૩૩૯ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.

Advertisement

'બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ'

બાળ મજૂરીને નાથવા માટે દર વર્ષે તા. ૧૨ જૂનને ‘વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ’ World Day Against Child Labour  તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૧૯૮૬માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો Child Labor Prohibition and Regulation Act પસાર કર્યો હતો.

Advertisement

આ અધિનિયમ ૦ થી ૧૪ વર્ષના બાળકોને કોઈપણ પ્રકારના કામ પર રાખવા માટે સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત ૧૪ થી ૧૮ વર્ષના તરુણોને જોખમી ધંધાઓમાં પ્રતિબંધ અને બિનજોખમી ધંધા- વ્યવસાય પર રાખવા માટે જરૂરી નિયમો હેઠળ જોગવાઈ કરવામાં આવી છે.

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં આ અધિનિયમમાં કરાયેલા સુધારા બાદ કાયદાનું નામ 'બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ' કરવામાં આવ્યું છે.

કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય

બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) કાયદાનો ભંગ કરનાર સામે દંડની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. આ કાયદામાં દંડની જોગવાઈમાં સુધારો કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં કરવામાં આવેલા સુધારા મુજબ કાયદાના ભંગ બદલ ૬ માસથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. ૨૦ હજારથી લઈને એક લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે દોષિતો આ જ પ્રકારનો ગુનો બીજીવાર કરે તો તેવા સંજોગોમાં ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં બાળમજૂરી વિરોધી કાયદાના અસરકારક અમલીકરણ માટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક વિશેષ જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા દર મહિને નિયમિત બેઠક યોજી રેડનું આયોજન કરી બાળ મજૂરોને મુક્ત કરાવે છે. બાળમજૂરી અટકાવવા માટે રેડ કર્યા બાદ બાળકોને રેસ્ક્યુ કરીને તેમનું રિહેબિલિટેશન (પુનર્વસન) પણ કરવામાં આવે છે.

મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ

મુક્ત કરાયેલાં બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવે છે અને ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC) દ્વારા જરૂરી તપાસ બાદ માતા-પિતાને સોંપવામાં આવે છે. બિન-ગુજરાતી બાળકોને તેમના રાજ્યની CWC મારફતે વાલીઓને સુરક્ષિત રીતે સોંપવામાં આવે છે. મુક્ત કરાયેલાં તમામ બાળકોની ઉંમર પ્રમાણે શાળા પ્રવેશ અપાવે છે. મુક્ત કરાયેલ બાળકનાં માતા-પિતા પાસે કોઈ આર્થિક ઉપાર્જનનું સાધન ન હોય, તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સંચાલિત વિવિધ રોજગારલક્ષી યોજનાઓનો લાભ અપાવી તેમના પરિવારનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે.

વિશ્વભરમાં આ વર્ષે ૨૦૨૫માં"સેફ એન્ડ હેલ્ધી પેઢી" "Safe and Healthy Generation" થીમ સાથે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ઉજવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય યુવાન કામદારોની સલામતી, આરોગ્યમાં સુધારો કરવાનો અને તમામ પ્રકારની બાળ મજૂરીનો વહેલામાં વહેલી તકે અંત લાવવાનો છે.

આ પણ વાંચો :Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક

Tags :
Advertisement

.

×