World TB Day : ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર ગુજરાત
- World TB Day- 24 માર્ચ, વિશ્વ ટીબી દિવસ: નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત
- વર્ષ 2024માં રાજ્યમાં 1,37,929 ટીબીના દર્દીઓ નોંધાયા; 1,31,501 દર્દીઓને મળી સારવાર
- વર્ષ 2024માં ટીબીના 1,18,984 દર્દીઓને મળી ₹43.9 કરોડની આર્થિક સહાય
- 100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાનના અમલીકરણમાં ગુજરાત સૌથી આગળ
World TB Day - 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Nrendra Modi)ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતે 2024માં નોંધનીય પ્રગતિ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે, જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો છે. ગુજરાતને 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સાપેક્ષમાં 1,37,929 ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરવામાં આવી હતી. આ સાથે જ, 1,24,581 દર્દીઓની સફળતાપૂર્વક સારવાર થઈ હતી, જેથી સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો હતો. આ ઉપરાંત, નોંધાયેલા ટીબી દર્દીઓમાંથી 1,31,501 દર્દીઓને પણ સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

