દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી તાજેતરમાં ચાલી રહી છે. દરમિયાન જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહી ભાજપનો ભગવો લહેરાશે તેવી પૂરી સંભાવનાઓ છે. ગાઝિયાબાદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહી મતગણતરી ચાલી રહી છે. આ બેઠક પર ભાજપના અતુલ ગર્ગ પોતાના હરીફો કરતા ઘણા આગળ ચાલી રહ્યા છે. આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના એક કાર્યકરને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. હાર્ટ એટેક બાદ તે કાર્યકર્તાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ગાઝિયાબાદ શહેર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રમાં BSPના એક કાર્યકરને હાર્ટ એટેક આવ્યો હતો. આ વિધાનસભા ચૂંટણીમાં ગાઝિયાબાદ જિલ્લામાં 54.92 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન મોદીનગરમાં અને સૌથી ઓછું સાહિબાબાદમાં જોવા મળ્યું હતું. ગાઝિયાબાદમાં 51.57%, લોનીમાં 61.49%, મોદીનગરમાં 67.26%, મુરાદનગરમાં 59.72%, સાહિબાબાદમાં 47.03% મતદાન થયું હતું.ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલુ છે. આ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મતગણતરી સ્થળે મોબાઈલ, સ્માર્ટ ઘડિયાળો તેમજ કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પડેલા મતોની ગણતરી ગુરુવારે સવારે 8 વાગ્યાથી ચાલુ છે. મતગણતરી સ્થળે કોમ્યુનિકેશન સેન્ટર, મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યા છે. દરેક ઉમેદવારોમાંથી એક એજન્ટને દરેક ટેબલ પર હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ પાંચ વિધાનસભા બેઠકો પર 192 રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ થશે.