ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામ આજ આવી રહ્યા છે. જેમાં સાંજ સુધીમાં લગભગ નક્કી થઇ ગયું છે કે કયાં કોણ સત્તામાં આવશે. પાંચમાંથી ચાર રાજ્યોમાં ભગવો લહેરાયો છે. ખાસ કરીને અતિ મહત્વના એવા ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત ભાજપને બહુમતિ મળવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપની સરકારની રચના લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ઉજવણીનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની જીત બદલ મતદારોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, આજનો દિવસ ઉત્સાહ અને ઉજવણીનો દિવસ છે. પીએમ મોદીએ કહ્યું કે અમારા કાર્યકરોએ મને વચન આપ્યું હતું કે 10 માર્ચથી જ હોળી શરૂ થશે. પીએમ મોદીએ પણ ભાજપના કાર્યકર્તાઓને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના માર્ગદર્શનમાં પાર્ટીના દરેક કાર્યકર્તાએ એનડીએની જીતની સીમાઓ નક્કી કરી છે. તેમણે કહ્યું કે યુપીએ દેશને ઘણા વડાપ્રધાન આપ્યા છે, પરંતુ યુપીમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ મુખ્યમંત્રી બીજી વખત સત્તામાં આવ્યા છે. પાંચ રાજ્યોના પરિણામો પર પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતની લોકશાહીનો દિવસ છે. પીએમ મોદીએ ભાજપની જીતનો શ્રેય મહિલાઓ અને યુવાનોને આપ્યો. તેમણે કહ્યું કે પહેલીવાર મતદારોએ ભાજપની જીતની પુષ્ટિ કરી.