ટેનસ્ટ્રાઇવ દવા શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
કેન્સરની સામાન્ય સારવારમાં મુખ્યત્વે કીમોથેરાપી (Chemotherapy) નો ઉપયોગ થાય છે. કીમોથેરાપી શરીરની કેન્સર કોશિકાઓનો નાશ કરે છે, પરંતુ તેની સાથે-સાથે તે શરીરની તંદુરસ્ત કોશિકાઓને પણ નુકસાન પહોંચાડે છે. પરંતુ 'ટેનસ્ટ્રાઇવ' આ પરંપરાગત પદ્ધતિથી તદ્દન અલગ રીતે કામ કરે છે. સરળ ભાષામાં સમજીએ તો, દરેક દર્દીનું કેન્સર એકસરખું હોતું નથી. કેટલાક દર્દીઓના ડીએનએ (DNA) અથવા જીનમાં એવા ફેરફારો (મ્યુટેશન) થાય છે, જે કેન્સરની કોશિકાઓને ઝડપથી વધવા માટે પ્રેરિત કરે છે. આવો જ એક મહત્વપૂર્ણ જીન છે 'RET' (REarranged during Transfection). જ્યારે આ RET જીનમાં ખામી કે ફેરફાર સર્જાય છે, ત્યારે તે શરીરમાં ટ્યુમરના વિકાસને અનિયંત્રિત ગતિ આપે છે. ટેનસ્ટ્રાઇવ ખાસ આ RET જીનના મ્યુટેશનને લક્ષ્ય (Target) બનાવે છે. તે કેન્સરને પ્રોત્સાહન આપતા આ ખોટા સંકેતોને સીધા જ રોકી દે છે. એટલે કે, આ દવા બીમારીના લક્ષણો પર નહીં, પરંતુ સીધી તેની 'જડ' પર પ્રહાર કરે છે, જેથી ટ્યુમરનો વિકાસ ધીમો પડી જાય છે.
દવાનો ડોઝ અને સારવાર પ્રક્રિયા
દર્દીની અલગ-અલગ શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આ દવા વિવિધ પાવરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતમાં ટેનસ્ટ્રાઇવની ચાર અલગ-અલગ ડોઝ વેરાયટી ઉપલબ્ધ છે:
- 40 મિલિગ્રામ (40 mg)
- 80 મિલિગ્રામ (80 mg)
- 120 મિલિગ્રામ (120 mg)
- 160 મિલિગ્રામ (160 mg)
નિષ્ણાત તબીબોની સલાહ અનુસાર, દર્દીએ આ દવાની ગોળીઓ દિવસમાં 2 વખત લેવાની હોય છે.
એક બોક્સનો ભાવ કેટલો?
ટેનસ્ટ્રાઇવ એક અત્યાધુનિક, સંશોધન-આધારિત ટાર્ગેટેડ થેરાપી હોવાથી તેની કિંમત ખૂબ ઊંચી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ દવાની કિંમત લાખો રૂપિયામાં છે. ટેનસ્ટ્રાઇવના એક બોક્સની કિંમત અંદાજે 2.15 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે, આ એક બોક્સમાં માત્ર 14 દિવસની સારવાર માટે જરૂરી દવાઓ જ આવે છે. આ ઊંચી કિંમત પાછળનું મુખ્ય કારણ આધુનિક જીન-આધારિત દવા પાછળ થતું જંગી રિસર્ચ અને ખર્ચાળ નિર્માણ પ્રક્રિયા છે.
કેન્સરની સારવારનું ભવિષ્ય કેવું?
છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરની સારવાર કરવાની પદ્ધતિમાં ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. પહેલાના સમયમાં મોટાભાગના દર્દીઓ માટે એક જ પ્રકારની દવાઓ અને સારવાર પદ્ધતિ (One-size-fits-all) અપનાવવામાં આવતી હતી. પરંતુ હવે મેડિકલ સાયન્સ 'પર્સનલાઈઝ્ડ મેડિસિન' (Personalized Medicine) એટલે કે વ્યક્તિગત સારવાર તરફ આગળ વધી રહ્યું છે.
એલી લીલી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ, વિન્સલો ટકર (Winslow Tucker) ના જણાવ્યા અનુસાર, કેન્સરની દુનિયામાં હવે જીન-આધારિત (Gene-based) અને સચોટ સારવારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. તબીબો હવે સારવાર શરૂ કરતા પહેલા દર્દીના કેન્સર સાથે જોડાયેલા જીનની ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને ત્યારબાદ જ કઈ દવા સૌથી વધુ અસરકારક રહેશે તે નક્કી કરે છે. ટેનસ્ટ્રાઇવ આ જ આધુનિક અભિગમનું એક ઉત્કૃષ્ટ પરિણામ છે.
આ પણ વાંચો : શું Diabetes ના કારણે કેન્સર થઈ શકે? જાણો શું કહે છે નવું સંશોધન અને તમે કેવી રીતે બચી શકો