Girls Early Periods: વહેલા પીરિયડ્સ આવવાના કારણો
બાળકીઓમાં સમય પહેલા શારીરિક પરિપક્વતા આવવા પાછળ કોઈ એક કારણ જવાબદાર નથી. નિષ્ણાતોના મતે બદલાતી જીવનશૈલી અને પર્યાવરણીય પરિબળો તેમાં મોટી ભૂમિકા ભજવે છે. બાળપણમાં જોવા મળતું સ્થૂળતા (ઓબેસિટી) તેનું મુખ્ય કારણ છે, કારણ કે શરીરની વધારાની ચરબી એસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન વધારે છે. આ ઉપરાંત શારીરિક શ્રમનો અભાવ, વધુ પડતો સ્ક્રીન ટાઈમ, પ્રોસેસ્ડ ફૂડનું સેવન અને પ્લાસ્ટિક કે કોસ્મેટિક્સમાં રહેલા હાનિકારક કેમિકલ્સ પણ આ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વારસાગત કે જેનેટિક કારણો પણ આ બાબત માટે જવાબદાર હોઈ શકે છે.
Girls Early Periods: વાલીઓ આટલું ધ્યાન રાખે
જ્યારે બાળકી 8 વર્ષની ઉંમર પહેલા શારીરિક રીતે વિકસિત થવા લાગે ત્યારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સ્તનોનો વિકાસ થવો, ઊંચાઈમાં અચાનક વધારો થવો, શરીરની ગંધમાં ફેરફાર સહિત અન્ય લક્ષણો વહેલી પ્યુબર્ટી તરફ ઈશારો કરે છે. આ સમયે બાળકીઓમાં મૂડ સ્વિંગ્સ અને ભાવનાત્મક ઉતાર-ચઢાવ પણ જોવા મળી શકે છે. ઘણીવાર આ ફેરફારોને કારણે બાળકીઓ મૂંઝવણ કે શરમ અનુભવે છે, તેથી વાલીઓએ તેમની સાથે ખુલીને વાતચીત કરવી જોઈએ અને તેમને માનસિક સહકાર આપવો અત્યંત આવશ્યક છે.
Girls Early Periods: લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર અસર
સમય પહેલા પીરિયડ્સ આવવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે. હાઈટમાં ઝડપી વધારો થવાથી હાડકાંનો વિકાસ જલ્દી અટકી જાય છે, પરિણામે બાળકીની અંતિમ લંબાઈ ઓછી રહી શકે છે. આ સ્થિતિ ભવિષ્યમાં પીસીઓએસ (PCOS), ટાઈપ 2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી સમસ્યાઓનું જોખમ પણ વધારે છે. યોગ્ય સમયે નિદાન અને તબીબી તપાસથી બાળકીને લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમોથી બચાવી શકાય છે. ઘરનું વાતાવરણ એવું રાખવું જોઈએ કે બાળકી તેના શારીરિક પરિવર્તનો વિશે નિસંકોચ ચર્ચા કરી શકે.
માતા-પિતા માટે માર્ગદર્શિકા- દીકરીઓ સાથે પ્યુબર્ટી વિશે કેવી રીતે વાત કરવી?
જ્યારે બાળકીઓમાં ખૂબ નાની ઉંમરે શારીરિક ફેરફારો જોવા મળે, ત્યારે તે બાળકીઓ માટે મૂંઝવણભર્યું હોઈ શકે છે. આ સમયે માતા-પિતાની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. અહીં કેટલીક ટિપ્સ છે જેના દ્વારા તમે આ બાબતને સકારાત્મક રીતે સંભાળી શકો છો:
સમયસર અને ખુલીને વાતચીત
પીરિયડ્સ અને પ્યુબર્ટી વિશે કોઈ રહસ્ય જેવું ન રાખો. બાળકીની ઉંમર અને સમજણ મુજબ તેને સરળ ભાષામાં સમજાવો કે આ એક કુદરતી પ્રક્રિયા છે, જે દરેક છોકરીના જીવનમાં આવે છે. જ્યારે તમે ખુલીને વાત કરો છો, ત્યારે બાળકીનો ડર દૂર થાય છે અને તે તમારી પાસે સુરક્ષિત અનુભવે છે.
સવાલોના પ્રમાણિક જવાબ આપો
બાળકી જ્યારે પૂછે કે 'આ કેમ થઈ રહ્યું છે?', ત્યારે તેને ઈમાનદારીથી જવાબ આપો. તેને એવો વિશ્વાસ અપાવો કે તેના શરીરમાં થતા ફેરફારો સામાન્ય છે. તેને કોઈ પણ પ્રકારની શરમ કે અપરાધભાવ અનુભવવા ન દો.
ભાવનાત્મક સહારો (Emotional Support)
પીરિયડ્સના કારણે મૂડ સ્વિંગ્સ આવવા એ ખૂબ જ સામાન્ય છે. આ સમયે તેની સાથે ચીડચીડ કરવાને બદલે પ્રેમ અને ધૈર્યથી વર્તો. તેને સમજાવો કે આ હોર્મોનલ ફેરફારોને કારણે છે અને તે સમય જતાં ઠીક થઈ જશે.
તંદુરસ્ત જીવનશૈલી
જોકે કેટલીકવાર વહેલી પ્યુબર્ટીનું કારણ જેનેટિક્સ હોય છે, પરંતુ સ્વસ્થ જીવનશૈલી ખૂબ મદદરૂપ થઈ શકે છે:
પૌષ્ટિક આહાર- ઘરનું તાજું અને પૌષ્ટિક ભોજન આપો, પ્રોસેસ્ડ ફૂડ અને વધારે ગળ્યું ખાવાનું ટાળવું.
શારીરિક પ્રવૃત્તિ- બાળકીને રોજિંદા રમતો કે હળવી કસરતમાં જોડો, જેથી તેનું વજન નિયંત્રણમાં રહે.
નિયમિત ઊંઘ- સારી ઊંઘ શરીરમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ વાંચકોની માહિતી માટે છે. આવી કોઈ બાબતમાં તમારા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે
આ પણ વાંચો--- Panic Attack vs Heart Attack: શું તમારો ડર હૃદય પર ભારે પડી રહ્યો છે? જાણો હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો ભેદ