શિયાળાની વિધિવત વિદાય તો હજી થઇ નથી, હજી તો આપણે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ છતાં પણ વાતાવરણ પરથી લાગે કે ઉનાળો દસ્તક આપી રહ્યો છે. હવે જાણે કે ગળુ સુકાવા લાગ્યું છે અને ઘર ધરમાં પંખા પણ ચાલુ થઇ ગયા છે. દેશમાં તાપમાન ધીરે-ધીરે વધવા લાગ્યું છે અને આ બધા જ ઉનાળાના પગપેસારાના સંકેત છે. આ ઋતુમાં ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી જરૂરી બની જાય છે.આ ઋતુમાં ખાસ ડીહાઇડ્રેશન, સ્કીન બર્ન, હીટ સ્ટ્રોકનું જોખમ વધી જતું હોય છે. આજે અમે આપને જણાવીશું કે, ગરમીની આ ઋતુમાં તમે તમારા સ્વાસ્થ્યની તકેદારી કેવી રીતે રાખવી જોઇએ. નિષ્ણાતો માને છે કે ઉનાળાની ઋતુમાં તમારા ડાયેટનું ધ્યાન વધુ રાખવું અનિવાર્ય બની જાય છે. આ ઋતુમાં તાજા ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઇએ. તાજા ફળ અને શાકભાજીમાં તમારા સ્વાસ્થ્યને સુદ્રઢ કરવાવાળા પોષક તત્વો હોય છે. તે વિટામીન્સ, મિનરલ્સ, એન્ઝાઇમ્સ, એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઇટોકેમિકલ ભરપૂર માત્રામાં હોય છે. સીઝનલ ફુડમાં આપણા શરીરની નેચરલ સફાફ અને ઉપચાર કરવાની ક્ષમતા હોય છે.તેજ ગરમી તમારી મુશ્કેલી વધારી શકે છેવધુ પડતી ગરમી અને તડકામાં આપણા શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે, જેનાથી તમને ડીહાઇડ્રેશન, થાક લાગવો અને વધુમાં બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઇ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે તમે તમારા બોડીને હાઇડ્રેટ રાખો. શક્ય હોય તો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો. બપોરે 12 થી 4નો સમય સૌથી વધુ ગરમી હોય છે તેથી તે સમયે બહાર જવાનું ટાળો. એક્સપર્ટ્સ કહે છે કે, તાપમાન અને ગરમી વધવાને કારણે આપણા શરીરમાં તણાવ આવે છે. જેનાથી ચિડીયાપણું આવે છે, ક્યારેક બેધ્યાન પણ થઇ જવાય છે, અનિદ્રા અને ચામડીના રોગોને લગતા પ્રશ્નો પણ વધી શકે છે. શરીરને હાઇડ્રેટ રાખવું જોઇએ.ઉનાળામાં તમારા શરીરને એવા ખોરાકની વધુ જરૂર હોય છે જેમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર હોય. એવું ભોજન લો જેનાથી તમે તમારી એનર્જી લેવલને મેઇનટેઇન રાખી શકો. આના માટે તમે ખોરાકમાં અજમો, પાલક, ખીરા અને સલાડ જેવી વસ્તુઓ વધુ લો. ગરમીને હરાવવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું અનિવાર્ય છે. શું ખાવું અને શું ના ખાવું ?ઉનાળામાં શરીરને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે ચા, કોફી અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઇએ. બજારમાં મળતા પેકેટવાળા જ્યુસ પણ ટાળવા જોઇએ. જમવામાં વધુ મીઠાનો ઉપયોગ ટાળવો જોઇએ. મસાલેદાર, એસીડીક અને વધુ તેલવાળું અને વધુ કેલરીયુક્ત વસ્તુઓ પણ શક્ય હોય તો ના લેવી. હાઇ પ્રોટીનવાળી ચીજવસ્તુઓ પણ ટાળવી. જો કોઇ કારણસર હાઇ પ્રોટીન ડાયેટ લેવુ પડે છે તો દિવસમાં 5 થી 6 ગ્લાસ પાણી વધુ પીવો.જો સાદુ પાણી વધુ નથી પી શકતા તો તેમાં લીંબુ, સંતરાની સ્લાઇસ અથવા ફુદીનાના પત્તા નાખીને પી શકાય. આ તમામ વસ્તુઓ તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદરૂપ થશે. તમે નારીયેળ પાણી પણ લઇ શકો છો. પાણી, લીલા શાકભાજી અને ફળોનું સેવન ન માત્ર તમારા શરીરને હાઇડ્રેટ રાખશે પણ તે એનર્જી પણ આપશે. ઘણા એવા ફળો અને લીલા શાકભાજી છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.આમાં કાકડી, તરબૂચ, નારંગી, કોબી, ટામેટા, ગાજર, લીલા પાંદડાવાળા શાકભાજી, કેન્ટલોપ, સ્ટ્રોબેરી અને કેપ્સિકમ જેવી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. તમે આ વસ્તુઓને ધોયા પછી ખાઈ શકો છો અથવા જ્યુસ, સ્મૂધી અને શેક બનાવીને પી શકો છો. આ સિવાય તુલસીના પાનનું પાણી, જવનું પાણી, છાશ, આઈસ ગ્રીન ટી અને લીંબુનું શરબત પણ તમને ઘણી રાહત આપશે.