પાકિસ્તાને ન્યૂ યર સેલિબ્રેશન પર કેમ મૂક્યો પ્રતિબંધ ?
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં તબાહી અને બરબાદીનો સામનો કરી રહેલા ગાઝાના નાગરિકોના સમર્થનમાં પાકિસ્તાની સરકારે નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાનની આર્થિક હાલત દયનિય છે
પાકિસ્તાન અનિશ્ચિતતામાં અટવાયેલો દેશ છે.પાકિસ્તાનની આર્થિક હાલત પતલી છે. આતંકવાદીઓ પાકિસ્તાનમાં લગભગ દરરોજ નાના મોટા ધડાકાઓ કરતા રહે છે. બલૂચિસ્તાનમાં આંતરિક સંઘર્ષ પરાકાષ્ઠાએ છે. દુનિયાનો કોઇ દેશ પાકિસ્તાનનો ભરોસો કરવા તૈયાર નથી. આવતા વર્ષે તારીખ 8મી ફેબ્રુઆરી, 2024ના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે. પાકિસ્તાનના લોકોમાં હતાશા છવાયેલી છે. આ દરમિયાનમાં પાકિસ્તાનની કાર્યવાહક સરકારે નવા વર્ષના સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇસ્લામિક કન્ટ્રીઝમાં ઇઝરાયેલનો વિરોધ થઇ રહ્યો છે
પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે કહ્યું કે,પેલેસ્ટાઇનમાં નવ હજાર બાળકો સહિત 21 હજાર લોકોના મોત થયા છે. ગાઝા અને વેસ્ટ બેંકમાં ઇઝરાયેલી સેના અત્યાચાર કરી રહી છે. આવા સંજોગોમાં આપણે કોઇ ઉજવણી કરીએ એ વાજબી નથી. દુનિયાના મુસ્લિમ દેશોની દુહાઇ આપીને વડાપ્રધાન કાકરે કહ્યું કે, બધા ઇસ્લામિક કન્ટ્રીઝમાં ઇઝરાયેલનો વિરોધ થઇ રહ્યો છે.પાકિસ્તાન પણ બધાના દુ:ખમાં સામેલ છે.પાકિસ્તાનની સરકારના આ નિર્ણય સામે એ દેશના લોકો જ નારાજ થયા છે.લોકો કહે છે કે,આપણે ત્યાં આતંકવાદીઓ નિર્દોષ લોકોને મારી રહ્યા છે એ સરકારને દેખાતું નથી અને બીજાની ચિંતા કરે છે.ઉજવણી કરવી કે નહીં એ નિર્ણય લોકો પર છોડો એને તમારે જે કરવાનું છે.
પાકિસ્તાન મુસ્લિમ દેશોની મહેરબાની પર નભી રહ્યું છે
પાકિસ્તાને ન્યૂ યર સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂક્યો એની પાછળનું સૌથી મોટું કારણ દુનિયાના દેશોને વહાલા થવાની પાકિસ્તાનની મથામણ હોવાનું કહેવામાં આવે છે. પાકિસ્તાન મુસ્લિમ દેશોની મહેરબાની પર નભી રહ્યું છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત અને બીજા દેશો એક સમયે પાકિસ્તાનને માંગે એ મદદ કરતા હતા. હવે એ દેશો પણ પાકિસ્તાન સાથે સેફ ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે. તુર્કિયે અને ઇરાનને પણ પાકિસ્તાન રાજી રાખવા માંગે છે. હમાસ સાથે પાકિસ્તાનનો સીધો સંપર્ક છે.
અગિયાર દિવસ પહેલા પાકિસ્તાનમાં હમાસના નેતાઓ અને ઇસ્લામિક સ્કોલર્સની એક કોન્ફરન્સ મળી હતી. આ કોન્ફરન્સમાં હમાસની પોલિટિકલ વિંગના વડા ઇસ્માઇલ હાનિયાએ એવું કહ્યું હતું કે, દુનિયાના મુસ્લિમ દેશોમાં પાકિસ્તાન એક માત્ર એવો દેશ છે જેની પાસે પરમાણુ શક્તિ છે. પાકિસ્તાન જો ઇઝરાયેલને ધમકી આપે તો ઇઝરાયેલ પીછેહઠ કરવા મજબૂર બની શકે છે. હમાસના નેતાના આ વિધાનને પણ લોકો હાસ્યાસ્પદ કહે છે. ઇઝરાયેલ પોતાના ખાસમખાસ મિત્ર અમેરિકાની વાત માનતું નથી અને કટ્ટર દુશ્મન ઇરાન અને તુર્કિયેની ધમકીઓને ગણકારતું નથી, એ ઇઝરાયેલ પાકિસ્તાનની ધમકીથી ડરી જશે? પાકિસ્તાનની ધમકીઓથી તો અફઘાનિસ્તાનના તાલિબાનો પણ ડરતા નથી. પાકિસ્તાનના આતંકવાદીઓ પણ સરકારની ચેતવણીઓને ઘોળીને પી ગયા છે.
દેશે ન્યૂ યરના સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂક્યો નથી
પાકિસ્તાને ખોટા વહેમો પાળવાની કંઇ જરૂર નથી. પાકિસ્તાને ગાઝામાં યુદ્ધપીડિત લોકો માટે સહાયની બે ખેપ મોકલી છે. એ વિશે પણ લોકો કહે છે કે, દેશમાં ગરીબ લોકોને મેડિકલ સુવિધા મળતી નથી અને તમે બહાર મોટા ભા થવા જાવ છો. ગાઝામાં મદદ કરનારા ઘણા મુસ્લિમ દેશો છે. આપણને કોઇ મદદ કરતું નથી. બીજી વાત એ કે, કોઇ દેશે ન્યૂ યરના સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂક્યો નથી તો પાકિસ્તાનમાં શા માટે? લોકો ઓલરેડી અનેક મુશ્કેલીઓથી પરેશાન છે. કોઇ ઉજવણી કરવાની મોટા ભાગના લોકોની તો ત્રેવડ જ નથી રહી, ત્યારે સરકાર આવી વાતો બંધ કરે તો સારું છે.
આ પણ વાંચો -ટેક્સાસમાં થયેલ ગોઝારા અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત