ટ્રમ્પની જીતથી ગુસ્સે થયેલા શખ્સે પરિવારની હત્યા કરી પોતાને મારી ગોળી!
- મિનેસોટામાં ટ્રમ્પ વિરોધી માનસિક તણાવથી 5 લોકોના મોત!
- એન્થોની નેફ્યુ, ટ્રમ્પની જીતથી નારાજગી અને માનસિક તણાવ
- ટ્રમ્પ વિરુદ્ધ વિચારધારા અને પોતાના પરિવારની હત્યા
- એન્થોનીએ પત્ની અને બે દીકરાની કરી હત્યા
- પરિવારની હત્યા કર્યા બાદ પોતાને મારી ગોળી
Weird News : અમેરિકાના મિનેસોટા રાજ્યમાં તાજેતરમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના રાષ્ટ્રપતિ તરીકેની જીત પછી એક શખ્સે પોતાના પરિવારજનોની હત્યા કરી અને પછી પોતાને પણ ગોળી મારી જીવનલીલા સંકેલી દીધી હતી. આ શખ્સનું નામ એન્થોની નેફ્યુ (Anthony Nephew) હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અનુસાર, એન્થોની સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય હતો અને ટ્રમ્પની જીતથી અસંતોષ અનુભવી રહ્યો હતો. આ ઘટના અમેરિકામાં ચર્ચાનો વિષય બની છે, કેમ કે નેફ્યુ સતત ટ્રમ્પ વિરુદ્ધ પોતાના વિચારો પ્રગટ કરતો રહ્યો હતો.
5 લોકોના મૃત્યુની ટ્રેજેડી
મિનેસોટાના અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું કે એન્થોની નેફ્યુએ પહેલા પોતાની પત્ની, પૂર્વ સાથી અને તેના બે પુત્રોની હત્યા કરી હતી. એ પછી, તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં નેફ્યુના પૂર્વ સાથી, એરિન અબ્રામસન, અને તેના પુત્ર જેકબ નેફ્યુ ગુરુવારે બપોરે તેમના ઘરમાં મૃત હાલતમાં મળ્યા હતા. તે ઉપરાંત, તેની હાલની પત્ની કેથરિન નેફ્યુ અને તેના 7 વર્ષના પુત્ર ઓલિવર નેફ્યુના મૃતદેહ નજીકના નેફ્યુના ઘરમાંથી મળ્યા હતા. આ સમગ્ર ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો, અને પોલીસ અધિકારીઓ આ ઘટનાને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી સંબંધિત માનતા હોવાનું જણાવ્યું હતું.
માનસિક સ્વાસ્થ્યને લગતા સંકેતો
આ હત્યાના કેસમાં નેફ્યુના માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને મુખ્ય કારણ માનવામાં આવી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, નેફ્યુ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. જુલાઈમાં તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનું જણાવ્યું હતું અને તેના જીવનમાં મજબૂત થતી ધાર્મિક કટ્ટરતાની ભાવના અને સમસ્યાઓને પણ આમાં સહયોગી માન્યું હતું. નેફ્યુએ પોતાના મગજમાં વારંવાર આવતી વિચારધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. નેફ્યુએ લખ્યું હતું કે મારા મગજમાં વારંવાર એવું આવે છે કે એક દિવસ મને ફાંસી પર ચડાવવામાં આવશે અથવા સળગતા ક્રોસ પર ચઢાવી દેવામાં આવશે.
ટ્રમ્પ વિરોધી પોસ્ટ્સ
નેફ્યુની સોશિયલ મીડિયા પરની પ્રવૃત્તિઓએ પોલીસનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકી ચૂંટણી દરમિયાન, નેફ્યુએ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને તેની પોસ્ટ્સમાં ટ્રમ્પ સામે વિરોધ પ્રગટ કરતા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એક પોસ્ટમાં, તેણે બરાક ઓબામા, જો બાઈડેન અને કમલા હેરિસના ફોટા સાથે ટ્રમ્પનો ફોટો પણ મૂક્યો હતો, જેમાં ટ્રમ્પના ચહેરા નીચે 'Hate' લખ્યું હતું, જ્યારે અન્ય ડેમોક્રેટિક નેતાઓના ચહેરા નીચે 'Hope' અને 'Development' શબ્દો લખવામાં આવ્યા હતા.
પોલીસે શરુ કરી તપાસ
આ આખી ઘટના બાદ દુલુથ પોલીસે તપાસ શરૂ કરી છે અને નેફ્યુના માનસિક સ્વાસ્થ્ય પર વધારે જાણવા પ્રયત્ન કરી રહી છે. તેમની દ્રષ્ટિએ આ ઘટનાનું કારણ નેફ્યુના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે, અને હાલ પોલીસે સ્પષ્ટ કર્યુ છે કે નેફ્યુના આ પગલાથી અન્ય લોકોને કોઈ તાત્કાલિક ખતરો નથી.
આ પણ વાંચો: એક કિસ કરીને ફસાયો અમેરિકાનો YouTuber Johnny Somali, માફી છતાં થઇ શકે છે 10 વર્ષની જેલ!