થાઈલેન્ડમાં ચોંકાવનારો બનાવ : એક મહિલાને કોર્ટે ફટકારી 235 વર્ષની જેલ!
A shocking incident in Thailand : થાઈલેન્ડમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં એક મહિલાને 235 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તે મહિલાએ જ્યા કામ કરતી હતી તે જ દુકાનમાંથી દાગીનાની ચોરી કરી હતી. અહીં તે છેલ્લા 10 વર્ષથી કામ કરતી હતી. આ ચોરીના કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.
47 વખત ચોરી કરી
એક રિપોર્ટ અનુસાર, આ મહિલાનું નામ સોમજીત ખુમદુઆંગ છે, જે ઉત્તર-પૂર્વ થાઈલેન્ડના ખોન કેન વિસ્તારમાં આવેલી એક જ્વેલરીની દુકાનમાં કામ કરતી હતી. 2021થી આ મહિલાએ દુકાનમાંથી દાગીનાની ચોરી કરવાનું શરૂ કર્યું હતું. CCTV કેમેરાની તપાસ દરમિયાન માલિકે જોયું કે તેણે માત્ર 1-2 વાર નહીં પરંતુ કુલ 47 વાર ચોરી કરી હતી.
શંકા કઇ રીતે ઊભી થઈ?
કહેવાય છે કે બે મહિના પહેલા મહિલાના કપડામાંથી સોનાનો હાર પડી ગયો હતો, જે બાદ દુકાનના માલિકે તેના પર ચોરીની શંકા વ્યક્ત કરી હતી. જ્યારે CCTV ફુટેજ તપાસવામાં આવ્યા, ત્યારે માલિકને સમગ્ર મામલાની જાણ થઈ. પોતાના બચાવમાં મહિલાએ કહ્યું હતું કે જ્યારે તે દુકાનના ડિસ્પ્લે કાઉન્ટર પાસે ઉભી હતી ત્યારે આકસ્મિક રીતે હાર તેના ખિસ્સામાંથી પડી ગયો હોઈ શકે છે.
6 કરોડ રૂપિયાની ચોરી
દુકાન માલિકે દાવો કર્યો હતો કે, મહિલાએ કુલ 6 કરોડ રૂપિયાથી વધુના દાગીના ચોર્યા છે. ચોરીના સામાનથી તેણીએ જમીન ખરીદી, નવી બાઇક અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પર ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત, મહિલાએ ફેસબુક પર જ્વેલરી અને બાઇકના ફોટા શેર કરીને પોતાના શોખ કેટલા ઉંચા છે તે જાહેર કર્યું હતું.
પોલીસ કાર્યવાહી
દુકાનના માલિકે મહિલાને વારંવાર કહ્યું હતું કે જો તે ચોરેલા દાગીના પરત કરશે, તો કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે. મહિલા પર માલિકને એટલો વિશ્વાસ હતો કે 10 વર્ષથી તે આ દુકાનમાં કામ કરી રહી હતી. જો કે, મહિલાએ માત્ર 1 કરોડ રૂપિયાના દાગીના પરત કર્યા, બાકીનો માલ અથવા તેની કિંમત પરત કરી ન હતી.
235 વર્ષની જેલની સજા
મહિલાની વિરુદ્ધ પુરાવાઓ મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટા પાયે સંભવિત નુકસાન અને દોષિત વ્યક્તિની બેદરકારીને ધ્યાનમાં રાખીને, થાઈલેન્ડની અદાલતે સોમજીત ખુમદુઆંગને 235 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજા ચોરીના કાયદા હેઠળની સૌથી કઠોર સજાઓમાંથી એક ગણાય છે.
આ પણ વાંચો: ભારતની સૌથી ધનિક મહિલા YouTuber,આટલા વીડિયોએ બનાવી કરોડપતિ