20 વર્ષ બાદ સાઉદી જેલમાંથી મુક્ત થયો Abdul Rahim, ભારત પરત ફરતા જ આંખોમાં આવી ગયા આંસુ
Abdul Rahim released from Saudi Arabia Jail : રોજગારની શોધમાં ભારતથી સાઉદી અરેબિયા (Saudi Arabia) ગયેલા કેરળના અબ્દુલ રહીમ માટે આખરે 20 વર્ષ લાંબી રાહનો અંત આવ્યો છે. વિદેશની ધરતી પર 2 દાયકા જેટલો લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવ્યો હતો. જાણીને નવાઇ લાગે પણ રહીમને મૃત્યુદંડની (Death Penalty) સજા ફટકારવામાં આવી હતી. જોકે, તેમને બાદમાં 34 કરોડ રૂપિયાનો દંડ ભરીને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે અબ્દુલ રહીમ સહીસલામત પોતાના વતન ભારત પરત ફર્યા છે. આ ચમત્કાર સમાન મુક્તિ પાછળ કેરળના લોકોની એકતા અને ઉદારતા જવાબદાર છે, જેમણે અસાધારણ આર્થિક સહયોગ કરીને રહીમનો નવો જન્મ કરાવ્યો છે.
વતનની ધરતી પર પગ મૂકતાં જ આંખો છલકાઈ
સાઉદી અરેબિયાની જેલમાંથી મુક્ત થઈને ગુરુવારે જ્યારે અબ્દુલ રહીમ કેરળના કારીપુર એરપોર્ટ (Karipur Airport) પર ઉતર્યા, ત્યારે ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. એરપોર્ટની બહાર આવતાની સાથે જ વતનની માટી પર પગ મુકતાં રહીમની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. એરપોર્ટ પર જાણીતા ઉદ્યોગપતિ બોબી ચેમનુર (Bobby Chemmanur) તેમનું સ્વાગત કરવા ખાસ હાજર રહ્યા હતા અને તેમણે રહીમને જોતાં જ આલિંગન આપ્યું હતું. રહીમે ત્યાં હાજર વિશાળ જનમેદની અને મીડિયા સમક્ષ હાથ હલાવી, અંગૂઠો ઊંચો કરી (Thumbs Up) પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ગદગદિત કંઠે કહ્યું, "મને મોતના મુખમાંથી બચાવવા માટે મદદ કરનારા દરેક વ્યક્તિનો હું દિલથી આભારી છું."
20 વર્ષથી રાહ જોતી વૃદ્ધ માતા અને Abdul Rahim નું મિલન
અબ્દુલ રહીમ વર્ષ 2006 માં સારી નોકરીની (Employment) આશા સાથે સાઉદી અરેબિયા ગયા હતા. કોઝીકોડના (Kozhikode) વતની રહીમના ઘરે પરત ફરવાના સમાચારથી તેના પરિવાર, મિત્રો અને સમગ્ર સ્થાનિક વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. બકરી ઇદના (Bakrid) પાવન પર્વ પર જ રહીમ ઘરે પહોંચતા લોકોનો આનંદ બેવડાયો હતો. જ્યારે રહીમ પોતાના ઘરે પહોંચ્યા, ત્યારે ઘરના દરવાજે જ તેમની વૃદ્ધ માતા છેલ્લા 20 વર્ષથી પોતાના વહાલા પુત્રની પ્રતીક્ષા કરી રહી હતી. રહીમે ઘરે પહોંચતા જ માતાને ગળે લગાવી દીધી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. લાગણીના અતિરેકમાં રહીમનું ગળું રૂંધાઈ ગયું હતું અને તે કંઈ બોલી શક્યા નહોતા અને માતા-પુત્ર બંને ખુશીના આંસુ રોકી શક્યા નહોતા.
શું હતો સમગ્ર મામલો અને કઈ ઘટના બની હતી?
અબ્દુલ રહીમ પર સાઉદી અરેબિયામાં વર્ષ 2006 માં તેમની સંભાળ હેઠળ રહેલા એક ખાસ જરૂરિયાતો ધરાવતા (Special Needs) સાઉદી બાળકની આકસ્મિક હત્યાનો (Accidental Murder) આરોપ લાગ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, બાળકના પરિવારે માફી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં, સાઉદી કોર્ટ દ્વારા વર્ષ 2018 માં રહીમને મૃત્યુદંડની આકરી સજા ફટકારવામાં આવી હતી.
શું છે 'બ્લડ મની' અને કેરળના લોકોની અદ્ભુત એકતા?
સાઉદી અરેબિયાના કાયદા મુજબ રહીમ પાસે બચવાનો માત્ર એક જ રસ્તો હતો અને તે હતો પીડિત પરિવારને 15 મિલિયન સાઉદી રિયાલ (Saudi Riyal) ચૂકવવા, જેને ઇસ્લામિક કાયદામાં 'બ્લડ મની' (Blood Money) કહેવામાં આવે છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે ₹34 કરોડ (34 Crore Rupees) જેટલી મોટી થતી હતી. 'બ્લડ મની' એ મૃત્યુ અથવા ગંભીર ઈજાના કિસ્સામાં પીડિત પક્ષના પરિવારને ચૂકવવામાં આવતું કાયદેસરનું નાણાકીય વળતર (Financial Compensation) છે.
માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
ઉલ્લેખનીય છે કે, ₹34 કરોડ જેવી અધધ રકમ એકત્રિત કરવી રહીમના ગરીબ પરિવાર માટે અશક્ય હતી. આ સમયે કેરળના લોકો અને સંસ્થાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિશાળ લોકભાગીદારી અને જાહેર દાનની (Crowdfunding) ઝુંબેશ શરૂ કરી. સાઉદી કોર્ટ દ્વારા આપવામાં આવેલી 18 એપ્રિલ, 2024 ની અંતિમ તારીખ (Deadline) પહેલાં, માત્ર 4 જ દિવસમાં લોકોએ ભેગા મળીને ₹34 કરોડ એકઠા કરી દીધા અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને અબ્દુલ રહીમને ફાંસીના ફંદાથી બચાવી લીધો.
આ પણ વાંચો : Video Viral : "તમારા દેશમાં પાછા જાઓ..!" અમેરિકન વ્યક્તિની ભારતીય સામે જાતિવાદી ટિપ્પણી


