Afghanistan માં રુવાડા ઉભા કરી દે તેવો થયો અકસ્માત, 50થી વધુના મોત
- પશ્ચિમ અફઘાનિસ્તાનમાં બસ અકસ્માત, 50થી વધુના મોત
- હેરાત પ્રાંતમાં ભીષણ માર્ગ દુર્ઘટના
- ઈરાનથી પરત ફરતા અફઘાનોની બસ દુર્ઘટનાગ્રસ્ત
- ટ્રક અને મોટરસાઈકલ સાથે અથડાઈ બસ, મોતનો આંક વધ્યો
- ગુજારા જિલ્લામાં સર્જાયો ભયાનક અકસ્માત
- 2016ની દુર્ઘટનાની યાદ અપાવતો નવો બસ અકસ્માત
Afghanistan Accident : પશ્ચિમ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં એક ભીષણ માર્ગ અકસ્માત થયો છે જેમાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈરાનથી પરત આવતા અફઘાન નાગરિકોને લઈ જતી એક પેસેન્જર બસ ટ્રક અને મોટરસાઈકલ સાથે ભીષણ રીતે અથડાઈ હતી. આ દુર્ઘટનાની સ્થાનિક પોલીસ અને પ્રાંતીય અધિકારીઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
અકસ્માત કેવી રીતે બન્યો?
હેરાત પ્રાંતીય પોલીસના જણાવ્યા અનુસાર બસની વધારે ઝડપ અને ડ્રાઈવરની બેદરકારી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. પ્રાંતીય અધિકારી મોહમ્મદ યુસુફ સઈદીએ જણાવ્યું કે બસ તાજેતરમાં ઈરાનમાંથી પરત ફરેલા અફઘાન નાગરિકોને લઈ રાજધાની કાબુલ જઈ રહી હતી. આ મુસાફરોમાં એવા લોકોનો સમાવેશ હતો જેમને છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈરાનમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અથવા બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા. સઈદી અધિકારીએ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે બધા મુસાફરોએ ઇસ્લામ કાલા નામના વિસ્તારથી બસમાં સવારી કરી હતી. આ ભયંકર અકસ્માત હેરાત શહેરની બહાર આવેલા ગુજારા જિલ્લામાં બનેલો હતો. મૃત્યુ પામેલા લોકોમાં મોટો ભાગ બસમાં મુસાફરી કરતા લોકોનો છે, જ્યારે 2 વ્યક્તિઓ ટ્રકમાં અને બીજા 2 લોકો મોટરસાઈકલ પર સવાર હતા.
Afghanistan માં માર્ગ અકસ્માતોની પરિસ્થિતિ
અફઘાનિસ્તાનમાં આવા અકસ્માતો સામાન્ય છે. દાયકાઓથી ચાલતા સંઘર્ષના કારણે રસ્તાઓ ખરાબ હાલતમાં છે, જેના કારણે મુસાફરી જોખમી બની જાય છે. સાથે જ હાઇવે પર બેદરકારીપૂર્વક વાહન હંકારવું અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું પણ દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે. મોટાભાગની બસો જૂની અને તકનીકી રીતે અયોગ્ય હોવાને કારણે અહીં અકસ્માતો વધતા જાય છે.
ભૂતકાળનો ભયાનક અકસ્માત
ઉલ્લેખનીય છે કે, આ ઘટના અફઘાનિસ્તાનમાં થયેલી અન્ય ભયાનક દુર્ઘટનાઓની યાદ અપાવે છે. મે 2016માં અફઘાનિસ્તાનના દક્ષિણ પ્રાંત ઝાબુલમાં કંદહાર-કાબુલ હાઈવે પર એક અત્યંત ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 પેસેન્જર બસો અને એક ટ્રકની વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે તરત જ વાહનોમાં આગ ભભૂકી ઊઠી હતી. બસોમાં મહિલાઓ, નાના બાળકો અને અન્ય સામાન્ય મુસાફરો મુસાફરી કરતા હતા. આગની લપેટમાં આવવાને કારણે મોટાભાગના લોકો વાહનમાંથી બહાર નીકળી શક્યા નહીં અને જીવતા બળીને ભસ્મ થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 73 લોકોનાં મોત થયાં હતાં અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Pakistan Govt : પાકિસ્તાન સરકાર IMF ની શરતોનું પાલન નહીં કરે તો...’!