America-Iran Ceasefire : અમેરિકા-ઈરાન યુદ્ધ પર બ્રેક, ટ્રમ્પે કરી 14 દિવસના સીઝફાયરની જાહેરાત
- અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત!
- ટ્રમ્પે બે અઠવાડિયા માટે સૈન્ય કાર્યવાહી રોકી
- ઈઝરાયેલ પણ હુમલા અટકાવવા માટે સહમત થયું
- પાકિસ્તાનમાં યોજાશે બંને દેશો વચ્ચે શાંતિ વાટાઘાટો
- હોર્મુઝની સામુદ્રધુની ફરી ખોલવા માટે ટ્રમ્પની શરત
- ઈરાને અમેરિકાને આપ્યો 10 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ
America-Iran Ceasefire : વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા અમેરિકા અને ઈરાન (America-Iran) વચ્ચેના યુદ્ધના તણાવમાં અચાનક એક મોટો વળાંક આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાની સૈન્ય કાર્યવાહીને હાલ પૂરતી રોકી દેવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ નિર્ણયથી ખાડી દેશોમાં સર્જાયેલા યુદ્ધના વાદળો વિખેરાયા છે અને કૂટનીતિ (Diplomacy) માટે એક નવો અને આશાસ્પદ માર્ગ ખુલ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ (Israel) એમ ત્રણેય પક્ષો બે અઠવાડિયાના યુદ્ધવિરામ (Two-week Ceasefire) માટે સત્તાવાર રીતે સંમત થયા છે.
America-Iran Ceasefire : ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, "હું આગામી બે અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બમારો અને તમામ પ્રકારના સૈન્ય હુમલા (Military Attacks) સ્થગિત કરવા માટે સંમત થયો છું." ટ્રમ્પે આ સીઝફાયરને વ્યાપક શાંતિ સ્થાપવા તરફનું એક અત્યંત મહત્વનું પગલું ગણાવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ નિર્ણય લેવામાં પાકિસ્તાનની ભૂમિકા મહત્વની રહી છે. ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર સાથેની વાતચીત બાદ તેમણે હુમલા ટાળવાનો નિર્ણય લીધો છે.
શાંતિ માટેની શરતો અને વાટાઘાટો
આ સીઝફાયર (Ceasefire) સંપૂર્ણપણે શરતી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તણાવ ઓછો કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને ફરીથી આંતરરાષ્ટ્રીય જહાજો માટે ખોલવું પડશે. આ સામુદ્રધુની તેલના વૈશ્વિક વેપાર માટે જીવનરેખા સમાન છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ તેના તમામ સૈન્ય લક્ષ્યો (Military Objectives) પહેલેથી જ હાંસલ કરી લીધા છે અને હવે તેઓ તેહરાન સાથે લાંબાગાળાની શાંતિ માટેના નક્કર કરાર (Peace Agreement) તરફ આગળ વધી રહ્યા છે.
ઈરાન તરફથી મળ્યો શાંતિ પ્રસ્તાવ
ઈરાન તરફથી અમેરિકાને 10 મુદ્દાનો એક શાંતિ પ્રસ્તાવ મળ્યો છે, જેને ટ્રમ્પે સકારાત્મક ગણાવ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે હવે આ મામલે આગળની નિર્ણાયક શાંતિ વાટાઘાટો (Peace Talks) પાકિસ્તાનમાં યોજાશે. આ બે અઠવાડિયાનો સમયગાળો નક્કી કરશે કે મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ સ્થપાશે કે ફરી એકવાર યુદ્ધના નગારા વાગશે. હાલ પૂરતું, આ વૈશ્વિક યુદ્ધવિરામે દુનિયાને મોટી રાહત આપી છે.
આ પણ વાંચો : Pakistan Lockdown: ઈરાન યુદ્ધ વચ્ચે આજ રાત્રિના 8 વાગ્યાથી પાકિસ્તાનમાં લૉકડાઉન!


