Video Viral : "તમારા દેશમાં પાછા જાઓ..!" અમેરિકન વ્યક્તિની ભારતીય સામે જાતિવાદી ટિપ્પણી
Video Viral : મેરિકામાં (America) ભારતીયો (Indians) સામે વધતા જાતિગત ભેદભાવ (Racial Discrimination) અને દુર્વ્યવહારના બનાવો વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા એક વીડિયોએ ફરી એકવાર ઇમિગ્રન્ટ્સ (Immigrants) ની સુરક્ષા અને માનસિક સતામણી અંગે ગંભીર ચર્ચા જગાવી છે. વીડિયોમાં એક અમેરિકન પુરુષ રસ્તા પર ઉભેલા ભારતીય દંપતી (Indian Couple) સાથે અપમાનજનક અને જાતિવાદી ભાષામાં વાત કરતો જોવા મળે છે. જોકે, સમગ્ર ઘટનામાં ભારતીય દંપતીએ શાંતિ અને સંયમ જાળવી રાખતાં સોશિયલ મીડિયા પર લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
“શું ભારત અમેરિકા કરતાં સારું છે?” પ્રશ્નથી શરૂ થયો વિવાદ
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કારમાં બેઠેલો અમેરિકન વ્યક્તિ પહેલા ભારતીય દંપતીને પૂછે છે કે શું તેઓ ભારત (India) ના છે. દંપતીએ હા કહેતા તે આગળ પ્રશ્ન કરે છે કે “શું ભારત અમેરિકા કરતાં વધુ સારું છે?” આ પ્રશ્નનો જવાબ ભારતીય વ્યક્તિ ખૂબ શાંતિપૂર્ણ અને સમજદારીપૂર્વક આપે છે. તે કહે છે કે બંને દેશોની પોતાની વિશેષતાઓ અને શક્તિઓ છે અને તેનો પરિવાર હજુ પણ ભારતમાં રહે છે. પરંતુ ભારતીય વ્યક્તિનો આ સંતુલિત જવાબ સાંભળ્યા બાદ અમેરિકન વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. વીડિયોમાં તે ઉશ્કેરાયેલા અંદાજમાં કહેતો સાંભળાય છે, “અમને તમને અહીં જોવા માંગતા નથી. તમારા દેશમાં પાછા જાઓ. મારા દેશમાંથી બહાર નીકળી જાઓ.” આ પ્રકારની ટિપ્પણીઓએ ફરી એકવાર અમેરિકામાં વસતા ભારતીયો સામે વધતા હેટ સ્પીચ (Hate Speech) અને જાતિવાદી માનસિકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર Video Viral
આ ઘટનાનું ચોક્કસ સ્થળ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ વીડિયો “AyTone4th” નામના એક સોશિયલ મીડિયા યુઝરે શેર કર્યો હતો. આ વ્યક્તિએ વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “મેં કેટલાક H-1B ભારતીયોનો સામનો કર્યો અને તેમને કંઈક કહેવું હતું.” માહિતી અનુસાર, આ વ્યક્તિ એક મ્યુઝિક પ્રોડ્યુસર (Music Producer) છે અને તેનું વેરિફાઇડ એકાઉન્ટ પણ છે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે આ યુઝરે અગાઉ પણ ભારતીયોનો મજાક ઉડાવતા અનેક વીડિયો પોસ્ટ કર્યા હતા. તેમાં એક ભારતીય રેસ્ટોરન્ટ (Indian Restaurant) નો વીડિયો પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કારણે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માર્કો રુબિયોને ટેગ કરીને કાર્યવાહીની માંગ
ઘટના વાયરલ થયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) ને ટેગ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રસપ્રદ વાત એ છે કે માર્કો રુબિયોએ તાજેતરમાં ભારતની મુલાકાત પૂર્ણ કરી હતી. તેમની મુલાકાત દરમિયાન પત્રકારોએ અમેરિકામાં ભારતીયો સામે વધી રહેલા જાતિગત હુમલાઓ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. તેના જવાબમાં માર્કો રુબિયોએ કહ્યું હતું કે, “દુર્ભાગ્યે દરેક દેશમાં કેટલાક મૂર્ખ લોકો હોય છે, જે સોશિયલ મીડિયા પર અને જાહેરમાં બિનજવાબદાર વાતો કરતા રહે છે.” જોકે, આ નિવેદન બાદ સામે આવેલી નવી ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં રહેતા ભારતીયો અને અન્ય ઇમિગ્રન્ટ્સની સુરક્ષા અંગે ચર્ચા તેજ કરી દીધી છે.
થોડા દિવસ પહેલા ગુજરાતી યુવતીની હત્યા
હજું થોડા દિવસો પહેલા ઉત્તર ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ (Jantral) ગામના વતની મેઘના પટેલ (Meghna Patel)ની અમેરિકામાં અજાણ્યા હુમલાખોર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ તેમના વતન સહિત સમગ્ર જિલ્લામાં ગમગીનીનું વાતાવરણ સર્જી દીધું હતું. આ સાથે જ વિદેશ (Abroad)માં રહેતા ગુજરાતી સમુદાયમાં તેમની સુરક્ષા અંગે ચિંતાનો માહોલ સર્જાયો હતો.
I encountered some incredible H-1B indians, and I had to let them know something! pic.twitter.com/Qi8FyfcjzF
— tone (@AyTone4th) May 20, 2026
ઇમિગ્રન્ટ્સ માટે ચિંતાજનક સ્થિતિ
આ સમગ્ર ઘટના માત્ર એક વાયરલ વીડિયો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બતાવે છે કે વિદેશમાં રહેતા ઘણા ભારતીયો આજે પણ જાતિગત ટિપ્પણીઓ અને માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને H-1B વિઝા (H-1B Visa) પર કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે આવી ઘટનાઓ ચિંતાજનક માનવામાં આવી રહી છે. જોકે, આ ઘટનામાં ભારતીય દંપતીએ જે શાંતિ, ધીરજ અને સંસ્કારી વલણ દર્શાવ્યું છે, તે સોશિયલ મીડિયા પર લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.
આ પણ વાંચો : Gujarati girl killed in America : અમેરિકામાં અજાણ્યા શખ્સે મહેસાણાની યુવતીની હત્યા કરી


