અલી ખામીનેઈના અંતિમ સંસ્કાર અને ભારતીય ડેલિગેશનની સત્તાવાર મુલાકાત
રાજદ્વારી સૂત્રો પાસેથી મળતી તાજી માહિતી અનુસાર, ભારત સરકાર વતી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા ઈરાનના સુપ્રીમ લીડરના અંતિમ સંસ્કાર સમારોહમાં સત્તાવાર રીતે ભાગ લેશે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 4 અને 5 જુલાઈના રોજ ઈરાનની રાજધાની તેહરાનમાં બે મોટા સત્તાવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે . આ કાર્યક્રમમાં વિશ્વના અનેક દેશોના રાજદ્વારીઓ અને રાષ્ટ્રીયાધ્યક્ષો હાજર રહેવાના છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે.
28 ફેબ્રૂઆરીના રોજ લશ્કરી સંઘર્ષ દરમિયાન થયુ હતુ મોત
અયાતોલ્લા અલી ખામીનેઈનું અવસાન 28 ફેબ્રુઆરીના રોજ એક ભયાનક લશ્કરી સંઘર્ષ દરમિયાન થયું હતું. તેઓ એક સંકુલમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા હતા ત્યારે અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘાતક હુમલામાં ખામીનેઈની સાથે તેમની પત્ની અને ઈરાનના અન્ય કેટલાય ટોચના સૈન્ય કમાન્ડરો અને રાજકીય નેતાઓના પણ મોત થયા હતા. આ વૈશ્વિક ઘટના બાદ પશ્ચિમ એશિયામાં ભારે તણાવ સર્જાયો હતો.
4 મહિના સુધી વિધિ લંબાવવા પાછળનું ભૌગોલિક રાજકીય કારણ
અગાઉ સત્તાવાર જાહેરાત મુજબ અયાતોલ્લા અલી ખામીનેઈના અંતિમ સંસ્કાર માર્ચ મહિનામાં જ યોજાવાના હતા . પરંતુ ઈરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલું ભયાનક યુદ્ધ લાંબુ ખેંચાવાના કારણે અને સુરક્ષાના ગંભીર કારણોસર આ કાર્યક્રમ સતત મોકૂફ રાખવો પડ્યો હતો. 86 વર્ષના ખામીનેઈએ 1989 થી ઈરાનની કમાન સંભાળી હતી, જ્યારે ઈરાની ક્રાંતિના જનક અયાતોલ્લા રુહોલ્લા ખુમૈનીનું અવસાન થયું હતું. ત્યારથી તેઓ ઈરાનની ધાર્મિક, સૈન્ય અને રાજકીય સત્તાના સર્વોચ્ચ કેન્દ્ર સ્થાને હતા.
ભારતે આ સમારોહમાં વરિષ્ઠ પ્રતિનિધિઓ મોકલવાનો કર્યો નિર્ણય
છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા ભારે તણાવ બાદ હવે પશ્ચિમ એશિયાની સ્થિતિ આંશિક રીતે શાંત થતાં ઈરાન પ્રશાસને આ ભવ્ય અંતિમ યાત્રાનું આયોજન કર્યું છે. ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને ભારતે આ સમારોહમાં પોતાના વરિષ્ઠ પ્રતિનિધિઓ મોકલવાનો નિર્ણય કર્યો છે, જે રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તેહરાન અને કોમ શહેરોમાં સાર્વજનિક સરઘસ
મળતી માહિતી મુજબ, આ અંતિમ સંસ્કાર કાર્યક્રમ મુખ્યત્વે 3 થી 4 દિવસ સુધી ચાલશે. તેની સત્તાવાર શરૂઆત ૪ જુલાઈએ તેહરાનના પ્રખ્યાત ગ્રાન્ડ મોસાલા કોમ્પ્લેક્સમાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવાની સાથે થશે . ત્યારબાદ તેહરાન અને પવિત્ર કોમ શહેરોમાં વિશાળ સાર્વજનિક જુલૂસ (ધાર્મિક સરઘસ) કાઢવામાં આવશે, જેમાં લાખો લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.
નજફ અને કરબલામાં વિશેષ પ્રાર્થનાઓ પઢવામાં આવશે
આ ધાર્મિક વિધિઓના અંતિમ ચરણમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર સ્થળો એવા નજફ અને કરબલામાં પણ તેમના આત્માની શાંતિ માટે વિશેષ પ્રાર્થનાઓ (દુઆ) પઢવામાં આવશે. ઈરાનની નવી સરકાર અને રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાણ માટે આ વૈશ્વિક ઈવેન્ટનું સફળ આયોજન કરવું એક મોટો પડકાર છે. આ કાર્યક્રમ પર સમગ્ર વિશ્વના મિલિટરી ઇન્ટેલિજન્સ અને ડિપ્લોમેટિક એક્સપર્ટ્સની નજર ટકેલી છે.
આ પણ વાંચો : PM Modi Seychelles visit : સેશેલ્સના સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે PM મોદીએ ભારતીય સેનાને આપ્યું અનોખી રીતે સન્માન, Video વાયરલ