કોણ છે બાલેન શાહ? જેને GEN Z બનાવા માંગે છે PM અને તેમની કેટલી છે સંપત્તિ
- PM માટે કાઠમંડુના મેયર બાલેન શાહ યુવાનોની પહેલી પસંદ (Balen Shah Nepal)
- યુવાનો બાલેન શાહને વડાપ્રધાન બનાવવા માંગે છે
- બાલેન શાહ હાલ કાઠમંડુના છે મેયર
- તેમની અંદાજીત સંપત્તિ નેપાળી રૂપિયામાં 6 કરોડ છે
Balen Shah Nepal : નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભડકેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. સમગ્ર દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે નેપાળી સેનાએ બુધવારે દેશભરમાં કરફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ પગલું જાહેર સલામતી જાળવવા અને અરાજક તત્વોની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ કરફ્યુ ગુરુવાર (11 સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.
આ રાજકીય ઉથલપાથલની વચ્ચે, સોશિયલ મીડિયા પર એક નવું નામ ઝડપથી ઉભરી રહ્યું છે: કાઠમંડુના મેયર બાલેન શાહ. 'Gen Z' તરીકે ઓળખાતા યુવાનો કહી રહ્યા છે કે બાલેન શાહ જ નેપાળની નવી આશા છે અને તેમને દેશના વડાપ્રધાન બનવું જોઈએ. તેમની લોકપ્રિયતા માત્ર રાજકારણ પૂરતી સીમિત નથી, પરંતુ એન્જિનિયરિંગ, સંગીત અને સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલી છે.
બાલેન શાહની કુલ સંપત્તિ અને આવક (Balen Shah Nepal)
નેપાળી મીડિયાના અહેવાલો મુજબ, બાલેન શાહની કુલ સંપત્તિ અંદાજે 5 થી 6 કરોડ નેપાળી રૂપિયા જેટલી આંકવામાં આવી છે. તેમની માસિક આવક 3 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. જોકે, આ આવક તેમના વિવિધ વ્યવસાયોમાંથી આવે છે, જેમાં એન્જિનિયરિંગ, સંગીત અને સોશિયલ મીડિયા મુખ્ય છે.
મેયરનો પગાર 46 હજાર રૂપિયા
મેયર તરીકે તેમનો પગાર મહિને લગભગ રુ.46,000 નેપાળી રૂપિયા જેટલો છે, પરંતુ તેમની મુખ્ય કમાણી તેમના અન્ય વ્યવસાયોમાંથી થાય છે. તેઓ પોતે સિવિલ એન્જિનિયર છે અને 'Balen Consulting & Construction Pvt. Ltd.' ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. બાંધકામ અને સલાહકાર સેવાઓમાંથી તેમને એક સ્થિર અને મોટી આવક મળે છે, જે તેમની કમાણીનો મોટો ભાગ છે.
Gen Z દ્વારા વડાપ્રધાન બનાવવાની માંગ
નેપાળમાં 'Gen Z' યુવાનોનો ગુસ્સો હવે એક નવી દિશા લઈ ચૂક્યો છે. ખાસ કરીને ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મેયર બાલેન શાહના સમર્થનમાં જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. હજારો લોકો પોસ્ટ કરીને અપીલ કરી રહ્યા છે કે બાલેને મેયર પદ પરથી રાજીનામું આપી રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ અને દેશનું નેતૃત્વ સંભાળવું જોઈએ.
બાલેન શાહની છબી પ્રમાણિક (Balen Shah Nepal)
યુવાનો પોતાની ટાઈમલાઈન પર લખી રહ્યા છે - "પ્રિય બાલેન, અત્યારે નહીં તો ક્યારેય નહીં." - અને તેમને નવી રાજકીય પાર્ટી બનાવીને નેપાળને નવી દિશા આપવા માટે આગ્રહ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે નેપાળની ત્રણેય મુખ્ય પરંપરાગત પાર્ટીઓએ જનતાને નિરાશ કરી છે. તેથી, બાલેન શાહ જેવા પ્રમાણિક અને સ્વચ્છ છબીવાળા યુવા નેતા જ દેશને ભ્રષ્ટાચાર અને અસ્થિરતામાંથી બહાર કાઢીને પ્રગતિના માર્ગે લઈ જઈ શકે છે.
આ પણ વાંચો : Nepal Gen-Z Protest: પ્રદર્શનકારીઓ ઘાતક હથિયારો સાથે રસ્તા પર આવ્યા, PM-રાષ્ટ્રપતિ નિવાસસ્થાન ફૂંકી માર્યા