Bangladesh : ગોપાલગંજમાં ફરી હિંસા ભડકતા સ્થિતિ વણસી ગઈ, 4 લોકોના મોત
- બાંગ્લાદેશમાં ફરીથી ભડકેલી હિંસામાં કુલ 4 ના મોત
- ગોપાલગંજમાં આવામી લીગ અને National Citizen Party ના કાર્યકરો વચ્ચે હિંસા
- હિંસા બાદ Awami League ના કાર્યકરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે
- ગોપાલગંજ Sheikh Hasina નું વતન છે
Bangladesh : ગોપાલગંજમાં આવામી લીગ (Awami League) અને નેશનલ સિટીઝન પાર્ટી (National Citizen Party) ના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ બની હતી. જિલ્લાના પોરા પાર્કમાં સિટીઝન પાર્ટીની રેલીનું આયોજન થવાનું હતું અને તે પહેલા હિંસક અથડામણો શરૂ થઈ હતી. આ અથડામણમાં કુલ 4 ના મોત નીપજ્યાં છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટનાથી ચકચાર મચી જવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગોપાલગંજ શેખ હસીના (Sheikh Hasina) નું વતન છે. તેમના પિતા શેખ મુજીબુર રહેમાન (Sheikh Mujibur Rahman) નો જન્મ અહીં થયો હતો.
રેલી રોકવાના પ્રયત્નો
બાંગ્લાદેશના અખબાર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ આવામી લીગના લોકો આ રેલીનો વિરોધ કરી રહ્યા હતા. રેલીનો રસ્તો રોકવા માટે ઘણી જગ્યાએ વૃક્ષો કાપીને મૂકવામાં આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ સરકારી વાહનોને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય નાગરિક પાર્ટીના રેલી સ્થળ પર હુમલો કરવાનો આરોપ પણ લગાડાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં આવામી લીગની તમામ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
4 ના મૃત્યુ, 13 ઘાયલ
સરકારે દક્ષિણ જિલ્લા ગોપાલગંજમાં કર્ફ્યુ લાદ્યો છે જેથી પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય. ગોપાલગંજ જિલ્લામાં શાળાની પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. ગોપાલગંજ સિવિલ સર્જન અબુ સૈયદ મોહમ્મદ ફારૂક કહે છે કે આ હિંસામાં 4 લોકો માર્યા ગયા છે અને 13 ઘાયલ થયા છે. મૃતકોની ઓળખ દિપ્તો સાહા, રમઝાન કાઝી, સોહાલે અને ઇમાન તરીકે થઈ છે. દિપ્તો સાહાના પરિવારનું કહેવું છે કે તેનો પુત્ર કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો નહોતો. તે ઘરે બપોરનું ભોજન કર્યા પછી પોતાની દુકાને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન, તેના પેટમાં ગોળી વાગી હતી.
આ પણ વાંચોઃ Earthquake : અલાસ્કામાં 7.3 ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર મચ્યો
આવામી લીગના કાર્યકરો ભૂગર્ભમાં
ગોપાલગંજમાં થયેલ ગોળીબાર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવ્યો હતો. એક દુકાનદારે જણાવ્યું કે, જ્યારે સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો ત્યારે 2 લોકોને ગોળી વાગી હતી અને મેં તેમને જમીન પર પડતા જોયા. એવું માનવામાં આવે છે કે આ હિંસા બાદ ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહેલા શેખ હસીનાની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. તેમના પક્ષના લોકો સામે સરકારી કાર્યવાહી વધુ તેજ બની શકે છે. પહેલાથી જ આવામી લીગની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાભાગના શહેરોમાં તેના કાર્યકરો ભૂગર્ભમાં પણ રહી રહ્યા છે.
આ પણ વાંચોઃ israel attack Syria : ઈઝરાયલનો સીરિયા પર હુમલો, દમાસ્કસમાં આર્મી હેડક્વાટરને ઉડાવ્યું!