Brazil : અમારી સરકાર ઉથલાવી પાડવાનું ષડયંત્ર અમેરિકાએ કર્યુ હતું - બ્રાઝિલના રાષ્ટ્રપતિ દા સિલ્વા
- બ્રાઝિલના રાષ્ટ્રપતિ Lula da Silva એ અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા
- ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ હાર્યા બાદ ટ્રમ્પની રણનીતિ અપનાવી હતી
- બ્રાઝિલના રાષ્ટ્રપતિ Lula da Silva એ ડોલરના બહિષ્કારની અપીલ કરી હતી
Brazil : ભારતના સહયોગી રાષ્ટ્ર અને બ્રિક્સના મહત્વના સભ્ય બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વા (Lula da Silva) એ અમેરિકાની સરકાર અને ડોનાલ્ડ ટ્રમ્પ પર ગંભીર આક્ષેપો કર્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાએ કહ્યું કે, ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જ્યારે હાર્યા ત્યારે જે રણનીતિ અપનાવી છે તેવી જ રણનીતિ મારા હરિફ અને હારેલા ઉમેદવાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ અપનાવી હતી. જેમાં ટ્રમ્પે ખોટા દાવાઓ સાથે તેમના સમર્થકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી પર પણ સતત સવાલ ઉઠાવ્યા હતા.
બ્રાઝિલ પર 50 ટેરિફ લદાયા બાદની ઘટના
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાએ એક સનસનાટીભર્યા આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકા સરકારને ઉથલાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ આ આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે અમેરિકા સાથે તેમના સંબંધો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ તેમની સરકારને સત્તામાં આવતા અટકાવવા માટે બળવાનું ષડયંત્ર રચ્યું હતું. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલથી થતી આયાત પર 50% ટેરિફની જાહેરાત કરી છે જેનાથી બંને દેશો વચ્ચે વેપાર સંઘર્ષ વધુ વકર્યો છે. તાજેતરમાં જ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાએ ડોલરના બહિષ્કારની અપીલ કરી હતી.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો શંકાના દાયરામાં
ડોનાલ્ડ ટ્રમ્પ અને લૂલા દા સિલ્વાના સંબંધો શરૂઆતથી જ ખરાબ રહ્યા છે, કારણ કે ટ્રમ્પે હંમેશા બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને ટેકો આપ્યો છે. જેયર બોલ્સોનારો પણ ટ્રમ્પના કટ્ટર સમર્થક રહ્યા છે. તેથી જ સિલ્વાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પર બ્રાઝિલમાં ચૂંટણીમાં ગોટાળા કરવાનો અને ચૂંટણી હાર્યા પછી દેશની સંસદ કબજે કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. ટ્રમ્પે પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા પછી આવી જ હરકત કરી હતી. ઉલ્લેખનીય છે કે બોલ્સોનારો પર 2022ની ચૂંટણી હાર્યા પછી સત્તા ન છોડવાની યોજના બનાવવાનો આરોપ છે. તપાસમાં બહાર આવ્યું છે કે બોલ્સોનારો અને તેમના સાથીઓએ બ્રાઝિલની સેનાનો સંપર્ક કર્યો હતો અને નવા રાષ્ટ્રપતિ લૂલાને પદ સંભાળતા અટકાવવા માટે બળવાની યોજના બનાવી હતી. તપાસમાં એક ડ્રાફ્ટ પણ મળી આવ્યો છે. જેમાં ચૂંટણી પરિણામો રદ કરવા અને નવી ચૂંટણીઓ યોજવાની માંગ કરવામાં આવી હતી. હવે બ્રાઝિલમાં બોલ્સોનારો સામે કેસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ America : રશિયા-યુક્રેન વોર માટે ભારત ફંડિંગ કરી રહ્યું છે - ટ્રમ્પના સલાહકારનો આક્ષેપ