ચીન જલ્દી જ લાવી રહ્યું છે Flying Cars! બનાવશે 1 લાખ કાર
- બેઇજિંગમાં બનશે 1 લાખ ફ્લાઈંગ કાર
- ચીનમાં શરૂ થશે 2026થી ફ્લાઈંગ કારનું ઉત્પાદન
- ફ્લાઈંગ કારથી પરિવહનનો ભવિષ્યનો નવો દોર થશે શરૂ
- 6 વર્ષમાં ચીનમાં આવશે ફ્લાઈંગ કાર
- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે ફ્લાઈંગ કાર
Flying Cars in China : આજથી 15 વર્ષ પહેલા લોકો સપના જોતા હતા કે 2020 પછી દુનિયાભરમાં હવામાં ઉડતી કાર જોવા મળી જશે. પણ તે આજે પણ એક સપના બરાબર દેખાઇ રહ્યું છે. ત્યારે હવે આ સપનાને પાંખો આપવા ચીન આગળ આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીહા, ચીનનું કહેવું છે કે, ટૂંક સમયમાં શહેરોને ફ્લાઈંગ કારથી બદલી દેશે. મળતી માહિતી અનુસાર, ચીનનું શહેર બેઇજિંગ 1 લાખ ફ્લાઈંગ કાર બનાવવાની યોજના ધરાવે છે.
આગામી 6 વર્ષમાં ચીનમાં જોવા મળશે ફ્લાઈંગ કાર
ચીનના કહેવા પ્રમાણે ફ્લાઈંગ કારનો ઉપયોગ વિવિધ સેવાઓમાં કરવામાં આવશે, જેમાં વ્યક્તિગત પરિવહન, ફ્લાઈંગ ટેક્સી, ડિલિવરી વાન, ઈમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ખેતીમાં ઓટોમેટેડ વાહનોનો સમાવેશ થાય છે. એક તાજેતરના રિપોર્ટ અનુસાર, આગામી 6 વર્ષમાં ચીનના મુખ્ય શહેરોના આકાશમાં ફ્લાઈંગ કાર દેખાવાની સંભાવનાઓ છે. આ ઉડતી કારોને ટેકનિકલી "ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ વ્હીકલ" (eVTOL) તરીકે ઓળખવામાં આવે છે. ચીનના મહત્તમ શહેરોએ આ પરિવર્તન માટે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચાઈના લો-અલ્ટીટ્યુડ ઈકોનોમિક એલાયન્સના રિપોર્ટ મુજબ, ફ્લાઈંગ કાર માટે એર ટ્રાફિક નેટવર્ક અને ગ્રાઉન્ડ ફેસિલિટીની સ્થાપના બેથી ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જશે. 2026 થી આ ટેક્નોલોજીના મોટા પાયે ઉત્પાદનની શરૂઆત થશે.
ખર્ચ ઘટાડા અને ટેક્નોલોજીનો વિકાસ
વર્તમાન સમયમાં એક eVTOLની કિંમત £1 મિલિયન (અંદાજે રૂ. 10 કરોડ) છે, પરંતુ 2030 સુધીમાં આ કિંમતોમાં ઘટાડો થવાની આશા છે. પરિવાર માટે અનુકૂળ એવી 4થી 5 સીટ ધરાવતી ફ્લાઈંગ કારની કિંમત £200,000 (અંદાજે રૂ. 2.14 કરોડ) સુધી હોઈ શકે છે. આ ટેક્નોલોજીનું આધાર સ્તંભ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને માનવરહિત કામગીરી રહેશે.
ડ્રોન ટેક્નોલોજી અને તેનો વિકાસ
ફ્લાઈંગ કારની ટેક્નોલોજી સાથે ચીનમાં ડ્રોન ટેક્નોલોજી પણ ઝડપથી વિકાસ પામી રહી છે. બેઇજિંગ સ્થિત i-Kingtec જેવી કંપનીઓએ સ્વાયત્ત ડ્રોન ગેરેજ વિકસાવ્યા છે, જે પાવર ગ્રીડ નિરીક્ષણ અને પર્યાવરણીય દેખરેખ માટે ઉપયોગમાં લેવાય છે. આ અદ્યતન ટેક્નોલોજી ખાસ કરીને વિશાળ વિસ્તારોનું સંચાલન કરવા માટે સક્ષમ છે.
ચીનના આકાશમાં નવી ક્રાંતિ
આ યોજનાઓ સ્પષ્ટ કરે છે કે ચીન ફ્લાઈંગ કાર ટેક્નોલોજીમાં વિશ્વને એક નવી દિશા આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. ડ્રોન અને eVTOL જેવા નવીન ઉપકરણો ચીનના આકાશને નવા આયામ આપશે. આ મહત્ત્વાકાંક્ષી આયોજન ફક્ત ચીનના ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વૈશ્વિક ટેક્નોલોજી ઉદ્યોગમાં પણ મોટી પ્રગતિનું નિર્માણ કરશે.
આ પણ વાંચો: આ દેશમાં બાળકો માટે સોશિયલ મીડિયા Ban!