હદ છે! હવે કોન્ડોમ વાપરવા પર પણ ટેક્સ? ચીન સરકારના નવા નિયમથી આખી દુનિયા સ્તબ્ધ
- ચીનમાં હવે વસ્તી વધારવા કોન્ડોમ પર 13% ટેક્સ લાગુ (China Population Crisis)
- સરકારે ગર્ભનિરોધક સાધનો પર 13% VAT ઝીંક્યો
- ઘટતી જતી વસ્તીને રોકવા ચીનનો ચોંકાવનારો નિર્ણય
- બાળકોનો ઉછેર અને વૃદ્ધોની સેવાઓ ટેક્સ ફ્રી કરાઈ
- દાયકાઓ જૂની ટેક્સ મુક્તિ સરકારે કરી નાબૂદ
China Population Crisis : ચીનની સામ્યવાદી સરકારે દેશમાં સતત ઘટી રહેલા જન્મદરને રોકવા માટે એક અત્યંત ચોંકાવનારો માર્ગ અપનાવ્યો છે. 1 જાન્યુઆરી 2026 થી અમલી બનેલા નવા નિયમ અનુસાર, હવે ચીનમાં કોન્ડોમ અને અન્ય ગર્ભનિરોધક સાધનો પર 13% વેલ્યુ એડેડ ટેક્સ (VAT) વસૂલવામાં આવશે. દાયકાઓ સુધી 'વન ચાઈલ્ડ પોલિસી' કડકાઈથી લાગુ કરનાર ડ્રેગન હવે યુવાનોને ગમે તેમ કરીને બાળક પેદા કરવા માટે મજબૂર કરી રહ્યો છે.
China Population Crisis : નવી ટેક્સ નીતિ અને તેની પાછળનું ગણિત
ચીન સરકારની આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 1994 થી મળતી ટેક્સ મુક્તિને નાબૂદ કરવામાં આવી છે. એક તરફ ગર્ભનિરોધક ગોળીઓ અને કોન્ડોમ મોંઘા કરવામાં આવ્યા છે, તો બીજી તરફ લગ્ન સંબંધિત સેવાઓ, બાળકોના ઉછેર અને વૃદ્ધોની સંભાળ માટેના ખર્ચને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવ્યા છે. સરકારની આ રણનીતિ સ્પષ્ટ છે: ગર્ભનિરોધકને મોંઘા કરવા અને માતા-પિતા બનવાને પ્રોત્સાહન આપીને વસ્તી વધારવી.
China Population Crisis : કેમ ચીનની ઊંઘ હરામ થઈ છે?
સત્તાવાર આંકડાઓ મુજબ, ચીનની વસ્તી છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટી રહી છે. 2024માં જન્મેલા બાળકોની સંખ્યા 1 કરોડથી પણ ઓછી હતી, જે દસ વર્ષ પહેલાંની સરખામણીએ અડધી છે. ઘટતી વર્કફોર્સ અને ઝડપથી વધી રહેલી વૃદ્ધોની સંખ્યાને કારણે ચીનની અર્થવ્યવસ્થા ખતરામાં છે, જેનાથી બચવા સરકાર હવે લોકોની અંગત આઝાદી પર 'ટેક્સ' લગાવી રહી છે.
સોશિયલ મીડિયા પર મજાક અને વિરોધ
આ નિર્ણયની જાહેરાત થતા જ ચીની સોશિયલ મીડિયા પર યુવાનોએ આકરો વિરોધ અને મજાક શરૂ કરી દીધી છે. લોકોનું કહેવું છે કે કોન્ડોમ પર 13% ટેક્સ વધારવો એ બાળક પાળવાના લાખોના ખર્ચ સામે કાંઈ જ નથી. નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે આ પગલાથી વસ્તી વધવાને બદલે અસુરક્ષિત સેક્સ અને એચઆઈવી (HIV) જેવી બીમારીઓ વધવાનું જોખમ વધી શકે છે.
આવાસ અને મોંઘી શિક્ષણ વ્યવસ્થા મુખ્ય અવરોધ
બેજિંગના સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ, ચીન વિશ્વના એવા દેશોમાં છે જ્યાં બાળકોનો ઉછેર સૌથી મોંઘો છે. અતિશય મોંઘી શિક્ષણ ફી અને કરિયર વચ્ચે સંતુલન જાળવવાની મુશ્કેલીને કારણે યુવાનો પરિવાર વધારવાથી ડરી રહ્યા છે. જ્યાં સુધી પાયાના ખર્ચમાં ઘટાડો નહીં થાય, ત્યાં સુધી આવા 'વિચિત્ર' ટેક્સના નિર્ણયો વસ્તીના સંકટને ઉકેલી શકશે નહીં.
આ પણ વાંચો : એલોન મસ્ક અને બિલ ગેટ્સની આ તસવીરો જોઈ તમે માથું પકડી લેશો, AIની નિર્લજ્જતા!


