Taiwan મામલે ચીને અમેરિકાને આપ્યો આ મોટો સંદેશ,ભારતમાં ચીની રાજદૂતે જાણો શું કહ્યું...!
- Taiwan મામલે ચીને અમેરિકાને સીધો સંદેશ
- ચીને તાઇવાનને લઇને આપ્યો મોટું નિવેદન
- ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે 'X' તાઇવાન અંગેની કરી પોસ્ટ
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના આ પગલાંથી દુનિયામાં તણાવ વધી ગયો છે. વેનેઝુએલાના દેશ પર હવે અમેરિકાનો નિયંત્રણ છે. આ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ પર ચીને સખત નારાજગી બતાવીને કહ્યું આંતરરાષ્ટ્રીય કાયદાની વિરૂદ્વ આ કાર્ય કરવામાં આવ્યું છે અને માદુરોને તાત્કાલિક છોડી દેવાની માંગ કરી હતી.ચીને અમેરિકાને તાઇવાન મામલે મોટો સંદેશો પાઠવ્યો છે. ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે રવિવારે તાઇવાન મુદ્દે ચીનના કડક વલણનો પુનરોચ્ચાર કરતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ શેર કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તાઇવાન પ્રાચીન સમયથી ચીનનો એક અતૂટ ભાગ રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ બાબતે કોઈ પણ પ્રકારનો વિવાદ કે મતભેદ નથી અને તાઇવાન સંબંધિત તમામ ઐતિહાસિક અને કાનૂની તથ્યો સંપૂર્ણપણે સ્પષ્ટ છે.
🔹Taiwan has belonged to China🇨🇳 since antiquity. The history and legal facts are very clear.
🔹The government of the People’s Republic of China (PRC) was founded in October 1949, replacing the government of the Republic of China as the sole legal government representing the… pic.twitter.com/ip6hkuXG8X
— Xu Feihong (@China_Amb_India) January 4, 2026
ચીને અમેરિકાને Taiwan મામલે આપી ચેતવણી
નોંધનીય છે કે ઝુ ફેઇહોંગે ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (PRC) ની સરકારની સ્થાપના ઓક્ટોબર 1949 માં કરવામાં આવી હતી. આ નવી સરકારે ચીન પ્રજાસત્તાકની અગાઉની સરકારનું સ્થાન લીધું હતું અને ત્યારથી તે સમગ્ર ચીનનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર કાયદેસરની સરકાર તરીકે સેવા આપી રહી છે. ચીની રાજદૂતના મતે, આ એક એવું સત્ય છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકારવામાં આવ્યું છે અને તેમાં કોઈ ફેરફાર શક્ય નથી.
વિદેશી દખલગીરી સહન કરાશે નહીં
તેમણે વધુમાં ઉમેર્યું કે, ચીનનું સંપૂર્ણ એકીકરણ (Reunification) એ વિશ્વભરમાં ફેલાયેલા 1.4 અબજ ચીની લોકોની સામૂહિક ઈચ્છા અને અતૂટ સંકલ્પ છે. આ એક એવી ઐતિહાસિક પ્રક્રિયા છે જેને કોઈ પણ શક્તિ રોકી શકશે નહીં. રાજદૂતે સ્પષ્ટ કર્યું કે તાઇવાનનો મુદ્દો ચીનની આંતરિક બાબત છે અને તેમાં કોઈ પણ વિદેશી દખલગીરી સહન કરવામાં આવશે નહીં. ચીન પોતાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
ભારતમાં રહીને ચીની રાજદૂત દ્વારા તાઇવાન મુદ્દે આપવામાં આવેલું આ આક્રમક નિવેદન રાજદ્વારી દ્રષ્ટિએ ઘણું સૂચક માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે દક્ષિણ ચીન સાગર અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે, ત્યારે ચીને ફરી એકવાર 'વન ચાઇના પોલિસી'નો રાગ આલાપીને વિશ્વના દેશોને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તાઇવાન પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં.
આ પણ વાંચો: અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહીથી દુનિયામાં તણાવ, પણ ભારતને થશે આ મોટો ફાયદો!


