ભયાનક આગમાં 28 જીવ હોમાયા
ચીનની સરકારી સમાચાર એજન્સી 'શિન્હુઆ' ના પ્રારંભિક આંકડાઓ અનુસાર, પૂર્વ ચીનમાં આવેલી આ ફેક્ટરીમાં ગુરુવાર, 9 જુલાઈના રોજ અચાનક આગ ફાટી નીકળી હતી. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, જિનજિયાંગ શહેરમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ડઝનબંધ ફાયર ફાઈટર્સ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચોક્કસ આંકડો જાહેર કર્યા વિના આ ઘટનામાં ભારે જાનમાલનું નુકસાન (Casualties) થયું હોવાની પુષ્ટિ કરી છે. સરકારી બ્રોડકાસ્ટર CCTV ના અહેવાલ મુજબ, આગ બપોરના સમયે લાગી હતી અને અચાનક ફેલાયેલી આગને કારણે કેટલાક શ્રમિકો બિલ્ડિંગની છત પર ફસાઈ ગયા હતા.
ધુમાડાના ગોટેગોટા અને બચાવ કામગીરી
મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બહુમાળી ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાયેલી જોવા મળી હતી અને આકાશમાં કાળો ડિબાંગ ધુમાડો (Black Smoke) છવાઈ ગયો હતો. ચારેય તરફ ધુમાડો હોવા છતાં અનેક લોકો બચવા માટે છત પર દોડી ગયા હતા. સ્થાનિક ફાયર અને રેસ્ક્યુ ટીમે તુરંત એક્શનમાં આવીને 183 જવાનો અને 35 વાહનોને ઘટનાસ્થળે મોકલ્યા હતા, જેના કારણે આગ પર મહદંશે કાબૂ મેળવી લેવાયો હતો.
આગ ઝડપથી ફેલાવાનું મુખ્ય કારણ
પ્રારંભિક તપાસ (Preliminary Investigation) મુજબ, આગ ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. બિલ્ડિંગમાં રાખવામાં આવેલ જૂતા બનાવવાનો કાચો માલ અત્યંત જ્વલનશીલ (Flammable) હોવાથી આગે થોડી જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાં હાજર કેમિકલ્સ અને ગુંદર (Adhesive) ના કારણે વાતાવરણમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી, જેના લીધે બચાવકર્મીઓ અને આસપાસના લોકોને આંખોમાં ભારે બળતરા થઈ રહી હતી.
ચીનની 'શૂ કેપિટલ' તરીકે ઓળખાય છે આ શહેર
ફુજિયાન પ્રાંતનું આ જિનજિયાંગ શહેર ગારમેન્ટ્સ અને ફૂટવેર મેન્યુફેક્ચરિંગનું એક બહુ મોટું હબ (Manufacturing Hub) છે, જેને ચીનની 'જૂતાની રાજધાની' (Shoe Capital) પણ કહેવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર, વર્ષ 2024 માં આ શહેરની હજારો કંપનીઓએ મળીને 1.2 અબજ જોડીથી વધુ જૂતાનું ઉત્પાદન કર્યું હતું, જે વૈશ્વિક ઉત્પાદનના (Global Production) અંદાજે 20% જેટલું થાય છે.
આ પણ વાંચો : US Attack on Iran : ઈરાન પર અમેરિકાનો વિનાશક પ્રહાર ! રેલવે પુલ અને પાવર ગ્રીડને બનાવ્યા નિશાન