તુર્કીમાં વધી શકે છે રાજકીય અસ્થિરતા, એર્દોગનના મુખ્ય હરીફ ઈમામોગ્લુને જેલ થતાં જ વિવાદ વકર્યો
- રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના મુખ્ય હરીફ ગણાય છે ઈમામોગ્લુ
- વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
- કોર્ટનો ઈમામોગ્લુને પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય
Istanbul: તુર્કીની એક કોર્ટે ભ્રષ્ટાચારના આરોપોમાં ટ્રાયલ ચાલી રહી હોવાથી ઈસ્તંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ઔપચારિક ધરપકડ કરી છે. કોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચારની તપાસના ભાગ રૂપે ઇમામોગ્લુ અને ઓછામાં ઓછા 20 અન્ય લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. આતંકવાદ સંબંધિત તપાસ અંગે અલગ ચુકાદો હજુ જારી કરવાનો બાકી છે.
રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના મુખ્ય હરીફ ગણાય છે ઈમામોગ્લુ
ઈમામોગ્લુ, એક અગ્રણી વિપક્ષી નેતા અને લાંબા સમયથી રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના સંભવિત હરીફ માનવામાં આવે છે. તેમને સરકારે ભ્રષ્ટાચાર અને આતંકવાદના આરોપોમાં અટકાયતમાં લીધા હતા. જેના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા. ઇમામોગ્લુએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમને 'સ્મીયર ઝુંબેશ'નો ભાગ ગણાવ્યા છે. ઇમામોગ્લુના સાથી, અંકારાના મેયર મન્સુર યાવાસે મીડિયાને જણાવ્યું હતું કે જેલમાં ધકેલી દેવા એ ન્યાયિક પ્રણાલીનું અપમાન છે. મુખ્ય વિપક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP), યુરોપિયન નેતાઓ અને હજારો વિરોધીઓએ ઇમામોગ્લુ સામેની કાર્યવાહીને રાજકીય કાર્યવાહી ગણાવીને તેની ટીકા કર્યા બાદ કોર્ટનો ઈમામોગ્લુને પ્રી-ટ્રાયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આવ્યો છે.
આ પણ વાંચોઃ Israel એ ગાઝામાં કર્યો મોટો હવાઈ હુમલો, હમાસ નેતા અલ-બરદાવીલનુ મોત
ઈસ્તંબુલમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા
ઈસ્તંબુલમાં વકરતા જતા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર પર રાજકીય લાભ માટે ઈમામોગ્લુની ધરપકડ કરવાનો આરોપ છે. જોકે, સરકારે આ કેસ રાજકીય રીતે પ્રેરિત હોવાનો ઇનકાર કર્યો છે. હવે કોર્ટના આ નિર્ણય પછી, એ જોવાનું બાકી છે કે શું એર્દોગનની મુશ્કેલીઓ વધે છે કે ઇમામોગ્લુના જેલમાં રહેવાથી ફરી એકવાર રાષ્ટ્રપતિ બનવાનો તેમનો માર્ગ સરળ બનશે.
ઠેર ઠેર 'સોલિડેરિટી બોક્સ' ગોઠવવામાં આવ્યા
ઈસ્તંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ધરપકડ છતાં, રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP)એ ઇમામોગ્લુને તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સમર્થન આપવા માટે પ્રાથમિક ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પાર્ટીએ દેશભરમાં પ્રતીકાત્મક મતપેટીઓ પણ ગોઠવી છે જેથી જે લોકો પાર્ટીના સભ્ય નથી તેઓ પણ મેયર માટે પોતાનો ટેકો વ્યક્ત કરી શકે. આને 'સોલિડેરિટી બોક્સ' નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Israel attack : ઈઝરાયેલે લેબનોનમાં કર્યો હુમલો, PM નેત્યાહૂનાં આદેશ બાદ આતંકી ઠેકાણા પર હુમલાનો આદેશ