શ્રીલંકામાં ચક્રવાત Fengal એ મચાવી તબાહી; 15ના મોત, 4,50,000 લોકો પ્રભાવિત
- શ્રીલંકામાં ડીપ ડિપ્રેશનથી 15ના મોત
- ચક્રવાત 'ફાંગલ'નો તમિલનાડુ અને પુડુચેરી પર પ્રભાવ
- હવામાન પરિવર્તનથી શ્રીલંકામાં ભારે તબાહી
- તમિલનાડુમાં ભારે વરસાદ અને ચેતવણી
- શ્રીલંકામાં 4,50,000 લોકો પ્રભાવિત
- પુડુચેરીમાં ચક્રવાત 'ફાંગલ'ને લઈને એલર્ટ
- ભારે વરસાદથી તમિલનાડુમાં જનજીવન પ્રભાવિત
- ફાંગલ ચક્રવાતથી સરકારી તંત્ર એલર્ટ પર
Cyclone Fengal : દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર આવેલા ડીપ ડિપ્રેશનના કારણે શ્રીલંકામાં હવામાનમાં ઝડપથી ફેરફાર થયો છે. આ પ્રતિકૂળ હવામાનને કારણે 15 લોકોના મોત થયા છે અને 4,50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC) દ્વારા આપવામાં આવી છે. DMC એ જણાવ્યું કે સૌથી વધુ 10 મૃત્યુ પૂર્વીય પ્રાંતમાં થયા છે, જ્યાં પૂર, ભારે પવન અને ભૂસ્ખલન જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પૂર્વીય પ્રાંતમાં તબાહી મચાવનાર આ ચક્રવાતી તોફાન પછીથી ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુ તરફ આગળ વધશે.
તમિલનાડુમાં ભારે વરસાદ અને 'ફાંગલ' ચક્રવાતનો પ્રભાવ
તમિલનાડુમાં ચક્રવાત 'ફાંગલ'ના કારણે ભારે વરસાદ પડ્યો છે, જેનાથી ઉત્તર તમિલનાડુના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. શનિવારે ચક્રવાતે પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. રાજ્ય સંચાલિત પરિવહન સેવાઓ પર અસર જોવા મળી છે, ખાસ કરીને ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં ઓછા સંખ્યામાં વાહનો ચાલી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ખૂબ જ ઉંચા છે, જેના કારણે મરિના અને મમલ્લાપુરમ બીચ સહિતના વિસ્તારોમાં પ્રવેશ રોકવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી છે, અને IT કંપનીઓને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે.
પુડુચેરી સરકારની ચેતવણી અને રાહત કામગીરી
પુડુચેરીમાં 'ફાંગલ' ચક્રવાતને લઈને ભારે વરસાદ અને મજબૂત પવનના કારણે ખાસ ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે 12 લાખ રહેવાસીઓને એલર્ટ મોકલ્યા છે અને નીંચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાહત શિબિરોમાં રહેવા અને ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહત કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ અરક્કોનમથી આવી પહોંચી છે. ચક્રવાત પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થવાની સંભાવના છે.
લોકોને ઘરમાં જ રહેવાની સલાહ
સરકારના અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે અને બીચ અને નજીકના પ્રવાસી સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. શનિવારે શાળા અને કોલેજો બંધ રહી હતી. સરકારી દૂધની સેવા ‘આવીન’ અને વીજ પુરવઠો પર કોઈ ખાસ અસર થઈ નથી, જે રાજ્ય સરકારની તૈયારી કેટલી છે જે બતાવે છે. આ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિના કારણે જનજીવન વિક્ષિપ્ત થયું છે. જોવાનું રહેશે કે આ માહોલ કેટલા દિવસો સુધી રહે છે.
આ પણ વાંચો: આફ્રિકન દેશ યુગાન્ડામાં ભૂસ્ખલનથી 17ના મોત, હજુ વધુ..!