પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 14 વર્ષ બાદ ફરી એકવાર સીધી ફ્લાઈટ સેવા શરૂ થશે
- Dhaka Karachi Flights : બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે હવે સીઘી ફલાઇટ શરૂ થશે
- 14 વર્ષના વિરામ બાદ બંને દેશ વચ્ચે એર કનેકિટવિટી શરૂ થશે
- 29 જાન્યુઆરીએ ઢાકા અને કરાચી વચ્ચે સીધી ફલાઇટ ઉડશે
શેખ હસીનાની વિદાય બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના હાથમાં હાલ દેશની લગામ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મિત્રતા તાજેતરમાં ખુબ વધી ગઇ છે.જેના લીધે હવે લગભગ એક દાયકાથી વધુ સમયના વિરામ બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ફરી એકવાર સીધી એર કનેક્ટિવિટી શરૂ થઇ રહી છે. બાંગ્લાદેશની (Bangladesh) સરકારી એરલાઇન, 'બિમાન બાંગ્લાદેશ એરલાઇન્સ', (Biman Airlines) આગામી 29 જાન્યુઆરીથી ઢાકા અને કરાચી વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ સેવાઓ શરૂ કરશે.
Dhaka Karachi Flights : બાંગ્લાદેશ એરલાઇને જાહેર કરી પ્રેસ રિલીઝ
બિમાન બાંગ્લાદેશ એરલાઇન દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ મુજબ, શરૂઆતમાં આ ફ્લાઇટ્સ અઠવાડિયામાં બે વાર (ગુરુવાર અને શનિવાર) ઓપરેટ થશે. ફ્લાઇટ ઢાકાથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને 11:00 વાગ્યે કરાચી પહોંચશે, જ્યારે પરત ફરતી ફ્લાઇટ કરાચીથી રાત્રે 12:00 વાગ્યે રવાના થશે. નોંધનીય છે કે બંને દેશો વચ્ચે છેલ્લી સીધી ફ્લાઇટ 2012 માં કાર્યરત હતી.
ભારતના હવાઈ ક્ષેત્ર પર સસ્પેન્સ યથાવત
આ રૂટનો સૌથી મહત્વનો મુદ્દો ભૌગોલિક છે. ઢાકા અને કરાચી વચ્ચેનો સૌથી ટૂંકો રસ્તો ભારતીય હવાઈ ક્ષેત્ર (Indian Airspace) માંથી પસાર થાય છે. જોકે, બાંગ્લાદેશે નવી દિલ્હી પાસેથી 'ઓવરફ્લાઇટ' પરવાનગી મેળવી છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો ભારત પરવાનગી ન આપે તો આ મુસાફરી લાંબી અને ખર્ચાળ બની શકે છે.
ભારત માટે ચિંતાનો વિષય?
2024 માં શેખ હસીના સરકારના પતન બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં અચાનક તેજી જોવા મળી રહી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારની ઢાકા મુલાકાત બાદ આ નિર્ણયને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. વિશ્લેષકો માની રહ્યા છે કે બાંગ્લાદેશમાં થયેલા 'તખ્તાપલટ' બાદ ઢાકા અને ઇસ્લામાબાદ એકબીજાની નજીક આવી રહ્યા છે, જે દક્ષિણ એશિયાના પાવર બેલેન્સને બદલી શકે છે.
આ પણ વાંચો: જમ્મુના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર, આતંકવાદીઓને ઘેર્યા


