Diwali 2025 : પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના નેતાઓએ ભારતીયોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ
- Diwali એ વિશ્વને આશા અને એકતાના સંદેશ સાથે જોડ્યું
- દિવાળી 2025 : વિશ્વના નેતાઓએ ભારતને પાઠવી શુભેચ્છાઓ
- દિવાળી પર ટ્રમ્પ, અલ્બેનીસ, અને સ્ટાર્મરે ભારતને શુભેચ્છાઓ પાઠવી
- વિશ્વના નેતાઓએ દિવાળીને ગણાવ્યો આશા અને શાંતિનો તહેવાર
- પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ભારતને દિવાળીની પાઠવી શુભકામનાઓ
World leaders extend Diwali greetings : ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા પર્વ, દિવાળીએ ગઇકાલે સોમવારના રોજ વિશ્વભરમાં પોતાનો રંગ બતાવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના અનેક ખૂણામાં રહેતા લોકોએ આનંદ અને ઉત્સાહ સાથે પ્રકાશના આ તહેવારની ઉજવણી કરી છે. આ અવસરે વિશ્વના શક્તિશાળી દેશોના રાષ્ટ્રપ્રમુખો અને વડા પ્રધાનોએ ભારત અને ભારતીય સમુદાયોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી.
આશા, પ્રકાશ અને એકતાનો સંદેશ
વૈશ્વિક નેતાઓએ તેમના સંદેશાઓમાં દિવાળીને માત્ર એક ધાર્મિક તહેવાર નહીં, પરંતુ આશા, નવીકરણ, શાંતિ અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક તરીકે વર્ણવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સિંગાપોર જેવા દેશોના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે દિવાળી કેવી રીતે શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપે છે અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદિતાનો મજબૂત સેતુ બાંધે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંદેશમાં જણાવ્યું, "હું આ તહેવાર ઉજવતા દરેક અમેરિકનને મારી શુભકામનાઓ પાઠવું છું. આ સમય આપણા સૌ માટે આશા, શાંતિ અને પ્રકાશનો સંદેશ લઈને આવે છે." ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસે પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, "આ દિવાળી તમારા જીવનમાં આશા, પ્રકાશ, સફળતા અને ખુશી લાવે." સંયુક્ત આરબ અમીરાત (UAE)ના શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તુમે પણ આ તહેવાર શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ લાવે તેવી કામના કરી.
ભારત સાથે રાજદ્વારી ભાગીદારીને મજબૂત કરતા સંદેશાઓ
આ દિવાળીના સંદેશાઓમાં ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ જોવા મળી. ઇઝરાયલના વડા પ્રધાને પોતાના સંદેશમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવીને કહ્યું કે, "ભારત અને ઇઝરાયલ નવીનતા, મિત્રતા, સંરક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યમાં ભાગીદાર છે." આનાથી બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનો સંકેત મળે છે.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે દિવાળી પર ભારત સાથેના નવા સંબંધોની વાત કરી. તેમણે તાજેતરની મુંબઈ મુલાકાતને યાદ કરતાં કહ્યું કે તેમણે મુંબઈમાં દીવો પ્રગટાવ્યો હતો, જે ભક્તિ અને નવા સંબંધોનું પ્રતીક છે. તેમણે યુકેમાં રહેતા હિન્દુ, જૈન અને શીખ સમુદાયોને દિવાળી અને બંદી છોર દિવસની શુભેચ્છાઓ પાઠવતા એક એવા બ્રિટનનું નિર્માણ કરવાની વાત કરી જ્યાં દરેક વ્યક્તિ આશા સાથે આગળ જોઈ શકે.
યુક્રેન અને પાકિસ્તાન તરફથી પણ શુભેચ્છાઓ
યુક્રેનિયન વિદેશ મંત્રાલયે પોતાના સંદેશમાં હકારાત્મકતા પર ભાર મૂકતા લખ્યું, "પ્રકાશ હંમેશા વિજયી રહે." બીજી તરફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ રેડિયો પાકિસ્તાન પર કહ્યું કે દિવાળી દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. તેમણે દેશના બંધારણમાં સમાવિષ્ટ તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતા દોહરાવી.
વૈશ્વિક દૂતાવાસોમાં ઉજવણી અને યુરોપીયન યુનિયનનો સંકલ્પ
દિલ્હી સ્થિત અનેક વિદેશી દૂતાવાસોએ પણ રંગારંગ કાર્યક્રમો સાથે દિવાળીની ઉજવણી કરી હતી, જેમાં ફિનલેન્ડ, ઇઝરાયલ, ઑસ્ટ્રિયા, બ્રાઝિલ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ થાય છે. EU ના રાજદૂત હર્વે ડેલ્ફિને આ અવસરે મોટી જાહેરાત કરતા કહ્યું કે, EU ના તમામ 27 સભ્ય દેશો ભારત સાથેના સંબંધો મજબૂત કરવા માટે સહમત થયા છે. તેમણે જણાવ્યું કે, આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ભારત-EU સમિટ માટે એક સામાન્ય રોડમેપ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : દિવાળાની ઉજવણી બાદ Delhi-Ncr માં પ્રદૂષણનો કહેર! AQI રેડ ઝોનમાં પહોંચ્યું