Trump Modi friendship: ટ્રમ્પે PM મોદીને મિત્ર ગણાવ્યા, પણ નારાજગીનું કારણ શું?
- વડાપ્રધાન મોદી સાથેની મિત્રતા અંગે ટ્રમ્પનું નિવેદન (Trump Modi friendship)
- હું અને નરેન્દ્ર મોદી સારા મિત્રો છીએ: ટ્રમ્પ
- અત્યારે તે જે કરી રહ્યા છે તે મને પસંદ નથી: ટ્રમ્પ
- સંબંધોમાં ઉતાર-ચઢાવ આવતા રહે: ટ્રમ્પ
- ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમે મિત્રો છીએ: ટ્રમ્પ
Trump Modi friendship : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા પરના એક પોસ્ટને કારણે ઊભા થયેલા વિવાદ પર તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે પોતાના 'ટ્રુથ સોશિયલ' એકાઉન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક જૂની તસવીર અપલોડ કરી હતી.
આ ફોટોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, "એવું લાગે છે કે આપણે ભારતને અંધારા ચીન અને રશિયાના હાથમાં ગુમાવી દીધું છે." આ પોસ્ટને લઈને ઓવલ ઓફિસમાં યોજાયેલી મીડિયા બ્રીફિંગ દરમિયાન પત્રકારોએ તેમને સીધો સવાલ પૂછ્યો કે, "ચીનના હાથે ભારતને ગુમાવવા માટે કોને જવાબદાર ગણો છો?"
PM મોદી જે કરે છે તે મને પસંદ નથી
પત્રકારોના આ પ્રશ્ન પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાત્કાલિક જવાબ આપતા કહ્યું કે, "અમેરિકાએ ભારતને ગુમાવ્યું નથી. અમે ફક્ત એ વાતથી નિરાશ છીએ કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે, "વડાપ્રધાન મોદી સાથે મારા સંબંધો ખૂબ સારા છે. તેઓ મારા મિત્ર છે અને મિત્ર જ રહેશે. પણ તેઓ અત્યારે જે કરી રહ્યા છે, તે મને પસંદ નથી."
ભારત રશિયા સાથે નિકટતા વધારી રહ્યું છે
ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી કે અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવીને પોતાની નારાજગી દર્શાવી હોવા છતાં, ભારત રશિયા સાથેની નિકટતા વધારી રહ્યું છે. તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકાના સંબંધો ખૂબ જ સારા અને ખાસ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ઉતાર-ચઢાવ આવે છે, અને આ પણ કંઈક એવો જ એક તબક્કો છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત સાથેના અમેરિકાના સંબંધો ફરીથી મજબૂત થશે.
ભારત પર 50 ટકા લાદ્યો ટેરિફ
અહીં એ સમજવું જરૂરી છે કે અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર કુલ 50% ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફ બે ભાગમાં લગાવવામાં આવ્યો છે, જેમાંથી વધારાનો 25% ટેરિફ ખાસ કરીને રશિયા સાથેના તેલ વેપારના કારણે લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ માટે રાષ્ટ્રપતિ પુતિનને ફંડ આપી રહ્યું છે.
રશિયા પર આર્થિક દબાણ લવવા માંગે છે અમેરિકા
અમેરિકા નથી ઈચ્છતું કે ભારત અને રશિયા વચ્ચે તેલનો વેપાર ચાલુ રહે. ટ્રમ્પ પ્રશાસન માને છે કે જો ભારત રશિયા પર આર્થિક દબાણ લાવવામાં સાથ આપશે તો જ તેઓ યુક્રેન યુદ્ધને રોકવામાં સફળ થઈ શકશે. આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વ્યક્તિગત મિત્રતા અને રાષ્ટ્રીય હિત વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું પડે છે.
આ પણ વાંચો : અમેરિકા અને ભારત વચ્ચેનો વેપાર વિવાદ ભયંકર બન્યો: 'ભારત માફી માંગશે', USનો દાવો