US New Tariff : ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં ખટરાગ? અમેરિકા લાદશે નવો ટેક્સ!
US New Tariff : એક તરફ અમેરિકા (USA) ભારત સાથે મજબૂત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારીની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ ટ્રમ્પ વહીવટીતંત્ર (Trump Administration) દ્વારા લેવાયેલા એક નિર્ણયે વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ (USTR) દ્વારા ભારત સહિત વિશ્વના 60 દેશો પર નવા ટેરિફ (Tariff) લાદવાની તૈયારી કરવામાં આવી છે, જેનાથી ભારત-અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
શું છે આખો વિવાદ?
અમેરિકી સરકારે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ 'જબરદસ્તીના શ્રમ' (Forced Labor) દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો નિકાસ ગણાવ્યો છે. અમેરિકી વેપાર કાયદાની કલમ 301 (Section 301) હેઠળ તપાસ કરવામાં આવી હતી, જેમાં એવું તારણ નીકળ્યું છે કે ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને જાપાન સહિતના દેશો આવી વસ્તુઓના નિકાસને રોકવામાં નિષ્ફળ રહ્યા છે. અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર (Jamieson Greer) એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જબરદસ્તીના શ્રમથી બનેલી વસ્તુઓના કારણે અમેરિકી કામદારો (American Workers) ને અન્યાયી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, જે હવે સ્વીકાર્ય નથી.
ભારત માટે શું છે અસર?
USTR ના આ પ્રસ્તાવ મુજબ, આ તમામ દેશોમાંથી આવતી આયાત પર 10 ટકા સુધીનો વધારાનો ટેક્સ (Additional Tariff) લાદવામાં આવી શકે છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર (Trade Agreement) ને લઈને ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. ભારત અને અમેરિકા હાલમાં ડિજિટલ ટ્રેડ, એગ્રીકલ્ચર (Agriculture) અને માર્કેટ એક્સેસ જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી રહ્યા છે, ત્યારે આ નવા ટેરિફની દરખાસ્ત બંને દેશોની વર્તમાન વેપાર વાટાઘાટોને મુશ્કેલીમાં મૂકી શકે છે
હવે પ્રોડક્ટ્સ મોંઘી સાબિત થશે
અમેરિકાએ આ મામલે જનતા પાસેથી પ્રતિક્રિયા પણ માંગી છે. જો આ નિર્ણય અમલમાં આવશે, તો ભારત સહિતના દેશો માટે અમેરિકાના બજારમાં પોતાની પ્રોડક્ટ્સ મોકલવી વધુ મોંઘી સાબિત થશે. હવે જોવાનું એ રહે છે કે ભારત સરકાર આ ટેરિફના પ્રસ્તાવ સામે કેવો મુત્સદ્દી વલણ અપનાવે છે અને શું બંને દેશો વચ્ચેનો ટ્રેડ ટાઈ-અપ (Trade Tie-up) સફળ થશે કે કેમ.
આ પણ વાંચો : Trump vs Netanyahu : યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનો નેતન્યાહૂ પર ગુસ્સો, ફોન પર કહ્યું 'તમે પાગલ થઈ ગયા છો!'


